અમદાવાદ-

અત્યારના સમયમાં ઓનલાઈન છેતરપિંડીના અલગ અલગ કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. તાજેતરમાં આવોજ એક કિસ્સો બન્યો હતો. જેમાં કંપનીના એજન્ટ બનીને ગઠિયાએ ૯૧ લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાડ્યો હતો. ઈઝી-પે કંપનીના એજન્ટ બની ૯૧ જેટલા ગ્રાહકના આધારકાર્ડના ડેટા મેળવી ડેટાના આધારે જુદી જુદી બેન્કમાંથી આધારકાર્ડ કે કોઈ પણ જગ્યાએ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ નહીં આપ્યા હોવા છતાં તેમના ખાતામાંથી ૧૮ લાખ ૯૪ હજાર બારોબાર ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી બેન્કના ગ્રાહકો તેમજ કંપની સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. રાજપથ ક્લબ સામે આવેલ ઇઝી-પે નામની કંપનીમાં જનરલ મેનેજર ધર્મેન્દ્રસિંહ સોઢાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે કે,

તેમની કંપની ઇઝી-પે યશ બેન્ક તથા આઈસીઆઈસીઆઈ બેન્કના બિઝનેસ પાર્ટનર છે અને તેમના વતી જુદાં જુદાં શહેરમાં ડિસ્ટ્રબ્યૂટર્સ તથા એજન્ટની નિમણૂક કરી મની ટ્રાન્સફર, આધારકાર્ડ દ્વારા રૂપિયાની ચુકવણી, બિલ પેમેન્ટ જેવા પ્રકારની સેવા ગ્રાહકોને આપવામાં આવે છે. જેથી ઇઝી-પે તરફથી ગ્રાહકોને સર્વિસ મળી રહે તે માટે ભારતભરમાં એજન્ટની નિમણૂક કરાઇ છે. ઇઝી-પેનું સર્વર કલાઉડ હોસ્ટ મુંબઈ ખાતે આવેલ છે, જે સર્વરમાં ઇઝી-પે એપ્લિકેશનના યુઝરનો ડેટા સેવ થાય છે, જેના યુઝરના આઈપી લોગ, ડિવાઈસના આઇએમઇઆઇ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, લેટ લોન્ગ,

ડિવાઇસ મોડલ, ટ્રાન્જેક્શન તારીખ, સમય અને આરઆરએન નંબર તથા રકમની માહિતી સેવ થાય છે. ૩૧ મી ઓક્ટોબર ના દિવસે આઈસીઆઈસીઆઈ બેન્ક તરફથી ફરિયાદી ને જાણ થઇ કે ઇઝી-પેના એજન્ટ દ્વારા આઈસીઆઈસીઆઈના કસ્ટમર સાથે વીસ હજારનું ચીટિંગ થયું છે, પોતાનો આધારકાર્ડ નંબર અને કોઈ જગ્યાએ પોતાની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ નહીં આપી હોવા છતાં ઇઝી-પે સાથે ફ્રોડ થયો છે. તે પછી જાણ થતાંની સાથે એજન્ટને બ્લોક કરી દીધા હતા.ત્યારબાદ અલગ અલગ બેન્કમાંથી ફરિયાદી ને ઈ-મેઇલ મળ્યા હતા, જેમાં ઘણા બધા ગ્રાહક સાથે ઇઝી-પે દ્વારા છેતરપિંડી કરાઈ હોવાની જાણ થઇ હતી.