ભણસાલીની સ્પષ્ટતા: સુશાંત સિંહને ફિલ્મોમાંથી કેમ પડતો મુકાયો?
08, જુલાઈ 2020

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે નિવેદન નોંધાવવા ફિલ્મસર્જક સંજય લીલા ભણસાલી તેમની કાનૂની ટીમ સાથે બાન્દ્રા પોલીસ સ્ટેશને સોમવારે સવારે આવી પહોંચ્યા હતા. પોલીસે તેમની ત્રણ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. મોટા પ્રોડકશન હાઉસ સાથે કરારમાં સહી કરી હોવાથી તેમની ફિલ્મોમાંથી સુશાંત સિંહને પડતો મુકાયો હતો, એવા આક્ષેપોને પગલે સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરવામાં આવી હતી. હવે આવતે અઠવાડિયે ફિલ્મસર્જક શેખર કપૂરની પૂછપરછ કરવામાં આવશે, એવું જાણવા મળ્યું છે.

પોલીસ વર્તુળોના જણાવ્યા પ્રમાણે, સંજય લીલા ભણસાલી બપોરે ૧૨.૩૦ કલાકે જોવા મળ્યા હતા અને એ પછી તેમની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ફિલ્મસર્જકે જણાવ્યું હતું કે પોતે સુશાંત સિંહ સાથે કામ નહોતા કરી શક્યા કેમ કે તેઓ યશરાજ ચોપરા ફિલ્મ્સ સાથે કામ કરવા કરારબદ્ધ હતા અને શેખર કપૂરની ફિલ્મ 'પાની' માટે કામ કરી રહ્યા હતા આને કારણે તારીખોની અથડામણ થતી હતી.

ભણસાલી, સુશાંત સિંહ રાજપૂત સાથે 'ગલિયો કી રાસલીલા રામલીલા' ફિલ્મ પણ સાઇન કરવા માગતા હતા. પણ તેમણે તેને પડતા મુક્યા કેમ કે તારીખો અથડાતી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું. બરાબર આ જ રીતે, ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' અને 'પદ્માવત' માટે પણ સુશાંત સિંહ નામની વિચારણા કરવામાં આવી હતી, પણ વિવિધ કારણોસર આ વાતને પણ વાસ્તવિક સ્વરૂપ આપવામાં નિષ્ફળતા મળી હતી, એમ ભણસાલીએ કહ્યાનું પોલીસે જણવ્યું હતું.

અન્ય વર્તુળોએ એવો દાવો કર્યો હતો કે 'રામ લીલા' માંથી સુશાંત સિંહને પડતો મુકવામાં આવ્યો એ પછી તેને ભણસાલીના ભાવિ પ્રોજેક્ટ્સમાં કામની તક નહીં આપવાનો આક્ષેપ કરાયો હતો, જેની તીવ્ર અસર સદ્દગત અભિનેતા પર પડી હતી.

એવા પણ અહેવાલ મળ્યા છે કે ભણસાલીના ટીવી શો 'સરસ્વતી ચંદ્ર (૨૦૧૩) માટે સુશાંત સિંહે ઓડિસન આપ્યું હતું. પણ એ પ્રોજેક્ટ પણ તેના હાથમાં નહોતો આવ્યો. અત્યાર સુધીમાં બાન્દ્રા પોલીસે ૨૯થી વધુ જણાના સ્ટેટમેન્ટ નોંધ્યા છે. સુશાંત સિંહ સાથે 'પાની' બનાવવા ઇચ્છતાં દિગ્દર્શક શેખ કપૂરનું નિવેદન આ અઠવાડિયા પછી રેકોર્ડ કરવામાં આવે એવી શક્યતા છે, એમ પોલીસ વર્તુળોએ જણાવ્યું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution