17, સપ્ટેમ્બર 2020
ભાવનગર-
શહેરમાં ફરી ધ્રુજાવે તેવી ઘટના સામે આવી છે. ફરી એક પોલીસ પરિવારમાં સામુહિક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. વિજયરાજનગરમાં રહેતા પૂર્વ DYSP નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહએ તેના પરિવારના સભ્યોની હત્યા કરી અને પોતે પણ ગોળી મારીને સામુહિક જીવન ટૂંકાવી દીધું છે. જે બનાવને પગલે આઈજીથી લઈને ડીએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અગાઉ પણ આ પ્રકારે બનેલા બનાવ બાદ શહેરમાં ફરી આવા કિસ્સાના બનાવથી શહેરમાં ચર્ચા થઈ રહી છે.
ભાવનગરમાં નિર્દોષ બાળકોને અને પત્નીને મોતને ઘાટ ઉતારી પૃથ્વીરાજસિંહ જાડેજાએ જાતે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. જ્યારે પોલીસ તપાસમાં પહોંચી ત્યારે સુસાઇડ નોટ મળી આવી હતી. જ્યારે સૂત્ર પાસેથી જાણવા મળ્યા મુજબ સુસાઇડ નોટમાં નજીકના સબંધીનું નામ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે પૂર્વ ડીવાયએસપીના પુત્રના આ પગલાંથી સમગ્ર શહેરમાં હાહાકાર મચ્યો છે.
આ ઉપરાંત સામુહિક હત્યા પાછળનું કારણ આખરે શુ છે, તેવી ચર્ચા લોકોમાં જાગી છે. કારણકે, મૃતકના પિતા પૂર્વ ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજા રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થયેલા છે. ત્યારે તેમના પુત્ર દ્વારા ભરવામાં આવેલા પગલાંને લઈ શહેરમાં ચારે તરફ ચર્ચાઓ થઈ રહી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, મૃતકને પૈસાની તંગી નહોતી. પરંતુ એક સ્થાનિક વર્તુળ અને પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી હતી. જે સુસાઈડ નોટમાં કોઈ નજીકના સબંધીનું નામ જાણવા મળી રહ્યું છે.