ભાવનગર-

શહેરના છેવાડાના નારી ગામના ખેડૂતે આર્થિક ભીંસ અને તેમાં પણ પાક નિષ્ફળ જતા જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. નારી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે તો ખેફૂટની દશાને પગલે ચર્ચાઓ જાગી છે કે આખરે ખેડૂતોનું કોણ? જો કે બનાવને લઈ સૌ કોઈ ચિંતિત છે. દિલ્હીને પોતાના બાનમાં લેનારા ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં ખેતી કરતા એક ખેડૂતે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. શહેરના ખેડૂત એટલે કે, હાલમાં નારી ગામનો સમાવેશ ભાવનગર શહેરમાં કરવામાં આવ્યો છે અને શહેરના છેવાડાનો ખેડૂત કેટલો ભીંસમાં અને આર્થિક રીતે કથળી ગયો છે તેનું ઉદાહરણ એક ખેડૂતના બનાવ પરથી જાણવા મળે છે. ભાવનગર શહેરના નારી ગામને શહેરમાં ભેળવી દેવામાં આવ્યું પણ ગામના હજુ મોટા ભાગના લોકો ખેતી કરે છે અને ખેડૂત છે. ત્યારે નારી ગામમાં બુટ માતાજીના ડેલા પાસે રહેતા 50 વર્ષીય ઈન્દ્રજિતસિંહ રવુભા રાણાએ પોતાનું જીવન ટૂંકાવી લેતા ગામમાં શોક ફેલાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આર્થિક ભીંસમાં તો હતા તેમાં કપાસનો પાક નિષ્ફળ જતાની સાથે તેમણે અંતિમ પગલું એવું ભર્યું કે તેમને સંસારને વિદાય આપી દીધી. બનાવને લઈને ગામમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.