04, ફેબ્રુઆરી 2025
594 |
મુંબઇ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વન ડે શ્રેણીની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. જોકે, આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું છે કે બુમરાહ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમી શકશે નહીં. આ ઉપરાંત, આ ખેલાડીના ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા પર પણ શંકા છે. આ ભારત માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. બીસીસીઆઇના એક સૂત્રએ દૈનિક ભાસ્કરને જણાવ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બુમરાહ માટે પીઠની ઇજામાંથી બહાર આવવું મુશ્કેલ લાગે છે. તે ઇંગ્લેન્ડ સામેની આગામી શ્રેણીમાં એક પણ મેચ રમશે નહીં. બુમરાહની જગ્યાએ હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરી શકાય છે. ઈંગ્લેન્ડ સામેની છેલ્લી મેચ માટે બુમરાહનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ નવા અહેવાલો અનુસાર, હવે તેના માટે રમવું મુશ્કેલ છે. જોકે, હજુ સુધી બીસીસીઆઇ તરફથી બુમરાહની ઈજા અંગે કોઈ અપડેટ આવ્યું નથી. બુમરાહ સોમવારે જ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં પોતાની પીઠની ઈજાની તપાસ કરાવવા પહોંચ્યો છે. તેઓ 2-3 દિવસ સુધી તબીબી ટીમના નિરીક્ષણ હેઠળ રહેશે. જો બુમરાહ ફિટ થશે તો તે ટીમ સાથે રહેશે. પરંતુ જો તે અનફિટ હોય તો હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરી શકાય છે. આઇસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં ફેરફાર કરવા માટે 11 ફેબ્રુઆરીની અંતિમ તારીખ નક્કી કરી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસે હજુ પણ લગભગ એક અઠવાડિયાનો સમય બાકી છે. આ સમયગાળા દરમિયાન, ભારત તેની ટીમમાં ફેરફાર કરી શકે છે.