અમદાવાદ-

વડોદરાના SOG પોલીસ ઇન્સ્પેકટરની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના ચકચારી કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ કેસમાં મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે સ્વીટી પટેલના ગુમ થવાનો ભેદ ઉકેલ્યો છે.ચકચારી સ્વીટી પટેલ કેસ હવે ઉકેલાઈ ગયો છે. અત્યારસુધી પોલીસને આ કેસની તપાસમાં દહેજ નજીકના અટાલી ગામમાં આવેલી એક અવાવરું બિલ્ડિંગમાંથી ૩૫-૪૦ વર્ષની વય ધરાવતી કોઈ વ્યક્તિના હાડકાં મળ્યા હતા. ત્યારબાદ હવે સ્વીટી પટેલ જે ઘરમાં પોતાના પતિ પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ સાથે રહેતાં હતાં ત્યાંના બાથરુમમાં કથિત લોહીના ડાઘ મળી આવ્યા હતા. જેના આધારે તપાસ શરુ કરવામાં આવી હતી.

આ તપાસમાં PI અજય દેસાઈ પહેલે થી જ શંકાના ઘેરામાં હતા. અને તેમના તરફની શંકાની સોય દિવસે ને દિવસે વધુ ઘેરી બનતી જઈ રહી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જેવી તપાસ પોતાના હાથમાં લીધી કે તે જ સમયે દેસાઈએ પોતે શારીરિક અને માનસિક રીતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર નથી તેવું કારણ આપી ટેસ્ટ કરાવવાનો ઈનકાર કરી દીધો હતો. જો કે હવે આખી ઘટના દીવા જેવી સ્પષ્ટ બની છે. અને PI પતિ જ આ કેસમાં આરોપી છે. પીઆઇ અજય દેસાઈ હત્યા કરી હોવાનો ખુલાસો અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોધી છે. અને પીઆઇ અજય દેસાઈની ધરપકડ કરવામાં આવશે. તો સ્વીટી પટેલના મૃતદેહની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.