અરવલ્લી,તા.૨૯ 

કોરોનાના અત્યંત ચેપી રોગચાળા દરમ્યાન મોડાસામાં આવેલી કોવીડ-૧૯ની હોસ્પિટલોમાંથી નીકળતા બાયોમેડિકલ વેસ્ટ અને કચરાને નજીકમાં આવેલી માઝુમ નદીના કિનારે ગમે ત્યાં ફેંકી દેવાતો હોવાની સાથે માઝુમ નદી પાસે સળગાવવામાં આવતો હોવાની ગંભીર ફરિયાદ લોકોમાં ઉઠી છે. મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાંથી નીકળતો કચરો અને બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ નિયમ મુજબ કરાતો ન હોવાની બૂમો ઉઠી રહી છે.

 મોડાસા કોવીડ-૧૯ હોસ્પિટલ દ્વાર માઝુમ નદીના કિનારે બાયો મેડિકલ વેસ્ટ અને કચરાનો નિકાલ કરવામાં આવતા આ અંગે નજીકમાં આવેલ મંદિરના મહંતે હોસ્પિટલના જવાબદાર અધિકારી અને કર્મચારીઓને વારંવાર રજુઆત કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. હાલ મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે મોડાસા કોવીડ-૧૯ હોસ્પિટલની ઘોર બેદરકારી બહાર આવી છે. કોવીડ -૧૯ હોસ્પિટલમાંથી રોજબરોજ નીકળતો બાયોમેડિકલ વેસ્ટ અને કચરો નજીકમાંથી પસાર થતી નદીના પટમાં સળગાવવામાં આવતો હોવાથી આસપાસના રહેણાંક વિસ્તારો,નજીકમાં આવેલ મંદિર અને મસ્જિદમાં આવતા લોકો અને નદી નજીકથી પસાર થતા લોકો અને વાહનચાલકોના આરોગ્ય સામે કોરોના થવાનો ભય જોવા મળી રહ્યો છે. માઝુમ નદીના કિનારે આવેલા અંબે માતાજીના મંદિરના મહંતે આ અંગે કોવીડ-૧૯ હોસ્પિટલના કર્તાહર્તા અને કર્મચારીઓને વારંવાર વિનંતી સાથે રજૂઆતો કરવા છતાં માઝુમ નદીના પટમાં બાયોમેડિકલ વેસ્ટ અને કચરાને સળગાવી નિકાલ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવતા જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.