પટના-

બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો કોલાહલ ગુરુવારે સંપન્ન થયો હતો. આ વખતની પ્રચાર ઝુંબેશનાં લેખાંજાેખાં માંડીએ તો સૌથી વધુ મહેનત રાજદના તેજસ્વી યાદવે કરી હતી પંરતુ સૌથી વધુ સભાઓ 650 સભા ભાજપે સંબોધી હતી. વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમારે 113 સભા સંબોધી હતી. આ વખતની ચૂ્‌ંટણીએ સારી એવી રસાકસી જમાવી હતી. મુખ્ય પ્રધાન બનવાના સપનાં સેવી રહેલા રાજદના તેજસ્વીએ એકલે હાથે 250થી વધુ સભાઓ સંબોધી હતી. ભાજપે પોતાના 29 ટોચના નેતાઓને પ્રચાર માટે ઊતાર્યા હતા.

ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ અને પક્ષ પ્રમુખ જે પી નડ્ડા સહિત ટોચના નેતાઓ બિહારમાં ઊતરી પડ્યા હતા. એકલા નરેન્દ્ર મોદીએ ત્રણ તબક્કાના મતદાન માટે 12થી વધુ સભા સંબોધી હતી. એ દ્રષ્ટિએ મોદી કોંગ્રેસના રાહુલ ગાંધી કરતાં આગળ રહ્યા હતા. રાહુલે માત્ર આઠ રેલી કરી હતી. લોજપના ચિરાગ પાસવાને સારું ગજું કાઢ્યું હતું. જાે કે એના પિતા અને કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના મરણના કારણે એને સહાનુભૂતિના મત વધુ મળે એવી શક્યતા હતી.

ભાજપે ચિરાગને દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા દીધો હતો. ચિરાગ એક તરફ પોતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હનુમાન ગણાવ્યો હતો તો બીજી બાજુ એ નીતિશ કુમારનો સતત વિરોધ કરી રહ્યો હતો. રાજદના તેજસ્વી યાદવે પોતે સત્તા પર આવે તો દસ લાખ યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યું. આ વચનની ઠેકડી કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કોલકાતામાં આપેલી મુલાકાતમાં ઊડાવી હતી. અમિત શાહે કહ્યું હતું કે તેજસ્વીને બિહારના બજેટનું ભાન નથી એટલે આવું વચન આપ્યું. દસ લાખ યુવાનોને નોકરી આપી શકે એટલું મોટું બિહારનું બજેટ નથી.