લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ડિસેમ્બર 2025 |
2376
સિલિકોન વેલી, ઓપન એઆઇના સીઇઓ સેમ ઓલ્ટમેનને ચેતવણી આપી છે કે એઆઇ હવે હેકિંગ શીખી રહ્યું છે અને એથી જરૂરી પગલાં લેવાની જરૂર છે. એઆઇ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. એને વિવિધ રીતે ટ્રેન કરવામાં આવી રહ્યું છે. એઆઇ પોતાની રીતે શીખી શકતું હોવાથી હવે એ કોઈ પણ સોફ્ટવેર અથવા તો પ્રોગ્રામમાં રહેલી ખામીઓને શોધીને એને હેક કરવાનું શીખી રહ્યું છે. એનાથી ખૂબ જ મોટું રિસ્ક રહેલું છે. આજે સાઇબર એટેકમાં એઆઇનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. તેમ જ છેતરપિંડી માટે પણ એઆઇનો ઉપયોગ થઈ રહ્યો છે. આથી જાે એઆઇ હેકિંગ શીખી ગયું તો ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે.
સેમ ઓલ્ટમેન દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એમાં એઆઇનું વર્તન કેવી રીતે બદલાઈ રહ્યું છે એ વિશે જણાવવામાં આવ્યું છે. એઆઇ મોડલ જેમ જેમ પાવરફુલ બની રહ્યાં છે, તેમ પ્રોબ્લેમનો ઉકેલ લાવવાની સાથે એ હવે સિસ્ટમને મેનિપ્યુલેટ કરતું પણ થઈ ગયું છે. હવે સ્થિતિએ છે કે એઆઇ સિસ્ટમ પાસે ગમે તે રીતે કામ કરાવી શકાય છે. એને ‘રીવોર્ડ હેકિંગ’ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. આ હેકિંગમાં એઆઇ દરેક સિક્યોરિટી અને પ્રોટોકોલને બાયપાસ કરે છે અને પોતાનું કામ કરાવી લે છે. આ માટે તે મોટાભાગે સેફ્ટી અને એથિક્સને સાઇડ પર મૂકી દે છે.
થોડા સમય પહેલાં જ એક ઘટના બની હતી, જેમાં એન્થ્રોપિક જેવા મોડલનો ઉપયોગ કરીને સાઇબર એટેક થયો હતો. આ મોડલ કોઈ પણ સિક્યોરિટી અને કોડમાં વીક પોઇન્ટ શોધવા માટે સક્ષમ છે. આ શોધ્યા બાદ એઆઇ એના પર એટેક કરે છે અને સિક્યોરિટીને બાયપાસ કરી દે છે. આ પ્રકારના એટેક પહેલાં મનુષ્ય દ્વારા કરવામાં આવતાં હતાં, પરંતુ હવે એઆઇ પોતે જ કરી રહ્યું છે.
ઓપન એઆઇ દ્વારા એક ઇન્ટરનલ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે એઆઇ હેકિંગની સાથે કોઈ ટાસ્ક પૂરા કરવામાં ચીટિંગ પણ કરી શકે છે. તેમ જ તેનો મુખ્ય ઉદ્દેશ શું છે એને છુપાવી શકે છે અને પોતાનું કામ ચોરી છુપીથી કરી લે છે. આ સાથે જ જાણી જાેઈને પણ નિયમો તોડી શકે છે. એક રીઝનિંગ પ્રોસેસ દરમિયાન એઆઇને જે ટાસ્ક આપવામાં આવ્યું હતું એને તે હેક કરી રહ્યું હતું. આથી તેની ટ્રેનિંગ પ્રોસેસની મર્યાદામાંથી પણ તે બહાર જઈને પોતાની સ્ટ્રેટેજી ડેવલપ કરી રહ્યું હતું.
એઆઇનું આ વર્તન સેફ્ટી અને એથિક્સને લઈને ખૂબ જ ચિંતાજનક છે. એઆઇ હવે ફાઇનેન્સ, હેલ્થકેર અને નેશનલ સિક્યોરિટીમાં પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. આ માટે સેમ ઓલ્ટમેન દ્વારા એઆઇને મોનિટર કરવા માટેની સિસ્ટમને ખૂબ જ સ્ટ્રોંગ બનાવવા માટેની ચેતવણી આપી છે. એઆઇ પોતાની રીતે કામ કરે એને અટકાવવા માટે તેમજ ર્નિણયો પોતે લેતું અટકાવવા માટે ખૂબ જ પારદર્શક નિયમો રાખવાની જરૂર છે.