૨૦૨૬માં રૂપિયો અને ફૂગાવો રિઝર્વ બેંક માટે મુખ્ય પડકાર : મલ્હોત્રા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, ડિસેમ્બર 2025  |   3366


મુંબઈ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેંકના વડા તરીકે પોતાનું એક વર્ષ પૂર્ણ કરવાના અવસરે દેશની આર્થિક સ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે ગંભીર મંતવ્યો વ્યક્ત કર્યા છે. મુંબઈમાં ૩૦ ડિસેમ્બરના રોજ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે વર્તમાન સમયને ભારત માટે ભાગ્યે જ સંતુલિત આર્થિક સમયગાળો ગણાવ્યો હતો. ગવર્નરે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, આગામી ૨૦૨૬ના વર્ષમાં રિઝર્વ બેંક સામે ખાસ કરીને રૂપિયાનું ઘટતું મૂલ્ય અને ફુગાવાને ૪ ટકાના લક્ષ્યાંક સુધી જાળવી રાખવા જેવા બેવડા પડકારો રાહ જાેઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૫માં આરબીઆઈએ તેની સ્થાપનાના ૯૦ વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ આ વર્ષ ચલણી અસ્થિરતાને કારણે અત્યંત વ્યસ્ત રહ્યું છે.

આ વર્ષે ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે ૯૦ના સ્તરથી નીચે સરકી જતાં ચિંતા વધી છે. ગવર્નરે જણાવ્યું હતું કે, આરબીઆઈ બજારમાં કોઈ ચોક્કસ સ્તર જાળવવા માટે નહીં, પરંતુ ચલણમાં આવતી અચાનક અસ્થિરતાને ઘટાડવા માટે હસ્તક્ષેપ કરે છે. આ અસ્થિરતાને ડામવા માટે કેન્દ્રીય બેંકે ૨૦૨૫ના પ્રથમ નવ મહિનામાં જ આશરે ૩૮ બિલિયન ડોલર જેટલા વિદેશી વિનિમય અનામત વેચી દીધા હતા. ૨૦૨૬માં પણ યુએસ ટેરિફ અને વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ વચ્ચે રૂપિયાને સ્થિર કરવો એ કેન્દ્રીય બેંક માટે સૌથી મોટો પડકાર બની રહેશે. નિષ્ણાતો માને છે કે ડોલરના મજબૂત થવા સામે રૂપિયાને બચાવવો એ આગામી નીતિઓનો મુખ્ય ભાગ રહેશે. વર્ષ ૨૦૨૫ દરમિયાન ભારતમાં ફુગાવાનો દર રેકોર્ડ નીચી સપાટીએ (૧ ટકાથી નીચે) રહેતા આરબીઆઈએ આર્થિક વિકાસને વેગ આપવા માટે નરમ વલણ અપનાવ્યું હતું. વર્ષની છ માંથી ચાર મોનેટરી પોલિસી બેઠકોમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીની પ્રથમ બેઠકથી જ રેટ કટની શરૂઆત થઈ હતી. જે બાદ જૂન મહિનામાં ૦.૫૦ ટકાનો સૌથી મોટો ઘટાડો જાહેર થયો. જાેકે, વ્યાજ દરમાં આ સતત ઘટાડાને કારણે બેંકિંગ ક્ષેત્રના નફા પર માઠી અસર પડી છે. બેંકોના ચોખ્ખા વ્યાજ માર્જિન અને મુખ્ય આવકમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે બેંકો માટે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ આગાહી કરી છેકે, ભવિષ્યમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર, જે હાલમાં ૮ ટકાથી ઉપર રહ્યો છે, તે થોડો મધ્યમ અથવા હળવો થઈ શકે છે. બીજી તરફ, અત્યારે અત્યંત નીચો દેખાતો ફુગાવો ફરી વધીને આરબીઆઈના ૪ ટકાના લક્ષ્યાંક તરફ ગતિ કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આરબીઆઈની કાર્યવાહી વાસ્તવિક જીડીપી પર આધારિત છે. અગાઉ ફુગાવાના આંકડા અંદાજ કરતા નોંધપાત્ર રીતે નીચા રહેતા કેન્દ્રીય બેંકની આગાહી કરવાની ક્ષમતા પર પણ પ્રશ્નો ઉભા થયા હતા. ગવર્નરે અંતમાં ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સંવેદનશીલતા અને ફરિયાદોના ઝડપી નિરાકરણ પર વિશેષ ભાર મૂક્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution