લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ડિસેમ્બર 2025 |
નવી દિલ્હી, ભારત |
4653
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પ્રચલિત પેઈનકિલર દવા નિમેસુલાઇડ (Nimesulide) ના ઉપયોગને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. સરકારે ૨૯ ડિસેમ્બર ૨૦2૫ના રોજ બહાર પાડેલા ગેઝેટ નોટિફિકેશન દ્વારા ૧૦૦ mg થી વધુ ક્ષમતા ધરાવતી તમામ 'ઇમિડિએટ-રીલીઝ' ઓરલ ફોર્મ્યુલેશન (ગોળીઓ અને અન્ય મૌખિક દવાઓ) ના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે. માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમો અને ખાસ કરીને લીવર પર થતી જીવલેણ અસરોને ધ્યાનમાં રાખીને આ આદેશ જારી કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ની કલમ ૨૬A હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. 'ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ' (DTAB) અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નિષ્ણાતોના અહેવાલોના આધારે સરકાર એ નિષ્કર્ષ પર પહોંચી છે કે ૧૦૦ mg થી વધુ માત્રામાં નિમેસુલાઇડનો ઉપયોગ માનવ શરીર માટે અત્યંત જોખમી છે. નિષ્ણાતોના મતે, આ દવાના ઉપયોગથી લીવર ફેઈલ થવું (Acute Liver Failure), ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ (પેટમાં રક્તસ્ત્રાવ) અને કિડનીને નુકસાન થવાની સંભાવના રહેલી છે. ખાસ કરીને વૃદ્ધો અને જેમને લીવર કે કિડનીની બીમારી છે, તેમના માટે આ દવા જીવલેણ સાબિત થઈ શકે છે.
નોંધનીય છે કે ભારત સરકારે ૨૦૧૧માં જ ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ દવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૫માં પશુચિકિત્સા (Veterinary use) માટે પણ તેના પર પ્રતિબંધ લગાવાયો હતો કારણ કે તે ગીધ જેવા પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ રહી હતી. હવે માનવ વપરાશ માટે પણ તેને મર્યાદિત કરી દેવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે બજારમાં આ દવાના અનેક સુરક્ષિત વિકલ્પો (જેમ કે પેરાસીટામોલ અથવા આઇબુપ્રોફેન) ઉપલબ્ધ છે, તેથી જાહેર હિતમાં આ જોખમી દવાનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવું અનિવાર્ય છે. હવેથી કોઈપણ કંપની દ્વારા ૧૦૦ mg થી વધુની નિમેસુલાઇડ બનાવવી કે વેચવી એ કાયદેસરનો ગુનો ગણાશે.