અમદાવાદ-

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ૫૭૬ બેઠકો, ૫૬ પાલિકાની ૨૦૮૮ બેઠકો, ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૮ બેઠકો તેમજ ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૮ બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે. જેની કુલ ૮૪૩૦ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. પણ ૨૦૨૨ની વિધાનસભાની સેમી ફાઇનલ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ટાર્ગેટ ૭૫૦૦ બેઠકો મેળવી ફાઇનલમાં નવો રેકોર્ડ સ્થાપવાનો છે. જેમાં પણ રાજ્યની છ મહાનગરપાલિકાની કુલ ૫૭૬માંથી ભાજપની ૫૦૦ બેઠકો મેળવવાનો ટાર્ગેટ છે. ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નક્કી કરેલી ફોમ્ર્યુલાનો પણ પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ અમલ શરૂ કરવામાં આવ્યો છે. પાલર્મિેન્ટરી બોર્ડની બેઠકમાં ૬૦ વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકીટ નહીં મળે.

ત્રણ ટર્મથી ચૂંટાયેલા ઉમેદવારોને રિપીટ નહીં કરાય અને સગાવહાલાને ટિકીટ નહીં અપાય. પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે, ચાર દિવસની બેઠકમાં ચાર ઝોન પ્રમાણે ચર્ચાના અંતે ૧૦મી ફેબ્રુઆરીએ નામોની જાહેરાત થવાની સંભાવના છે. પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું ૮મી ફેબ્રુઆરીએ બહાર પડશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૩મી ફેબ્રુઆરી નિયત કરવામાં આવી છે.

ગુજરાતમાં સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં ભાજપને અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસને ચૂંટણીને સફળતા મળે છે પરંતુ આ વખતે ભાજપે ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ કબજે કરવા માટે ખાસ વ્યૂહરચના બનાવી છે કે, જેથી વિધાનસભાની આવતા વર્ષે આવનારી ચૂંટણીમાં મોટો ફાયદો થઇ શકે. પાર્ટીના સિનિયર નેતાએ કહ્યું હતું કે ભાજપે વિધાનસભામાં ૧૫૦ પ્લસ બેઠકો મેળવવાનો ટાર્ગેટ રાખ્યો છે તેથી ૮૦ ટકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપનો વિજય મહત્વનો છે.તેના માટે ભાજપે ગામડાઓમાં ચોક્કસ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.