સુરત-

રાજ્યમાં આજે ચૂંટણી માહોલ વચ્ચે અનેક જગ્યાએ માથાકૂટથી લઇને નાની-મોટી બબાલની ઘટના સામે આવી છે. આ દરમિયાન સુરતમાં ભાજપ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સુરતમાં વોર્ડ નંબર 18 લિંબાયત પરવત વિસ્તારમાં મતદાન બૂથની 200 મીટરની અંદર ભાજપ દ્વારા ટેબલ ગોઠવી મતદારો ભાજપને કેવી રીતે મત આપવો એ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સાથે કોંગ્રેસે એક વીડિયો પર જાહેર કર્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કોંગ્રેસના નેતા કેતનભાઇએ જણાવ્યું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મતદાન બૂથની 200 મીટરની અંદર એક ટેબલ ગોઠવવામાં આવ્યું છે. નિયમ પ્રમાણે કોઇપણ પક્ષ દ્વારા મતદાન બૂથથી 200 મીટર દૂર ટેબલ અથવા પ્રચાર સામગ્રી રાખવાની હોય છે. જો કે લિંબાયત પરવત વિસ્તારમાં આવેલા મતદાન બૂથની નજીક ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપનો ખેસ પહેરી ટેબલ ગોઠવવામાં આવ્યું છે. સાથે જ અહીં એક ડમી ઇવીએમ પણ મૂકવામાં આવ્યા છે અને ભાજપને મત કેવી રીતે આપવો એ અંગે માહિતી આપવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર બાબતે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવામાં આવી છે.