ભરૂચ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો નજદીક આવતાંની સાથે જ પ્રચાર જાેરશોરથી ચાલી રહ્યો છે. એક તરફ મતદારોનો વિશ્વાસ મેળવી વોટ મેળવવા માટે ઉમેદવારો મેદાને પડ્યા છે. પ્રજાની સેવા કરવાના પ્રકલ્પ સાથે અન્ય ઉમેદવારો કરતાં શ્રેષ્ઠ છે તેવું સાબિત કરવા લાગી પડ્યા છે. ભાજપ ગુજરાત અધ્યક્ષ સી.આર.પાટીલ પણ પોતાની પાર્ટીના ઉમેદવારોને જીતાડવા મેદાને આવ્યા છે. ઝાડેશ્વર ગામના સાઈ મંદિરથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી ૧,૦૦૦ મોટરસાઇકલ સાથે વિશાળ સંખ્યામાં બાઇક રેલી નીકળી હતી. રસ્તામાં લોકોએ સી.આર.પાટીલનું પુષ્પો તેમજ ફટાકડા ફોડી ઉમકાભેર સ્વાગત કર્યું હતું.

ભરૂચ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદે અને સભ્યપદેથી રાજીનામુ આપનાર માંગીલાલ રાવલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ભરૂચ જિલ્લાના ૨૦,૦૦૦ ભાજપના પેજ પ્રમુખોને આઈકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ મહાનગર પાલિકા ભાજપ હસ્તક કરવા જઈ રહી છે તેમજ તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકા ભાજપ પોતાના હસ્તક કરશે તેવી ખાતરી આપી હતી. રેલી તેમજ જાહેર સભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડતા કોરોના જેવી મહામારી હવે રહી નથી, કોરોના ભજપાઈઓનું કશું ઉખાડી શકે તેમ નથી કે પછી કોરોના એક વિશ્વ સ્તરે કૌભાંડ છે, તેવી વાતો પણ સોસિયલ મીડિયા ઉપર વહેતી થઈ હતી. પાટીલે પેટ્રોલના ભાવવધારા અંગેના સવાલનો જવાબ ટાળ્યો હતો. જાેકે પ્રદેશ પ્રમુખ પોતાનું ભાષણ શરૂ કરતાંની સાથે જ સભામાં બેસેલા લોકો ઉઠીને રવાના થવા લાગ્યા હતા. ભાષણ પૂરું થતા સુધીમાં જાહેર સભામાં લોકોની સંખ્યા પાંખી જાેવા મળી હતી.