અમદાવાદ-

ગુજરાતમાં મીની વિધાનસભા સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓમાં ગુજરાતના ૦૪ કરોડ કરતા વધુ લોકો સીધો ભાગ લેશે. એટલે કે ગુજરાતના કુલ વોટર્સના ૯૦ ટકા જેટલા મતદાતાઓ. ગુજરાતમાં ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી પહેલા આ ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સૌપ્રથમ ગુજરાતના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરની ચૂંટણીઓ ૨૧ મી ફેબ્રુઆરીએ યોજાનાર છે. જેનું પરિણામ ૨૩ ફેબ્રુઆરીએ જાહેર થશે. જેમાં મોટા પક્ષોએ ઉમેદવારી પસંદગીની કામગીરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આ ફોર્મની છણાવટ થશે. ત્યારબાદ પ્રાદેશિક ચૂંટણી સમિતિ ઉમેદવારોના નામ જાહેર કરશે. જે લગભગ તમામ મહાનગરપાલિકાઓ માટે ૦૩ ફેબ્રુઆરી સુધીમાં જાહેર થવાની સંભાવના છે.

આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષ તરીકે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ જેવા પક્ષો દેખાઇ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈને સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, તો આમ આદમી પાર્ટીએ તો વ્યાપક જનસંપર્ક ઉપરાંત ઉમેદવારોના લિસ્ટ પણ જાહેર કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, તેનું સંગઠન માળખું પણ ખૂબ જ મજબૂત છે. કોઈપણ ચૂંટણીમાં એક નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત આ પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવે છે. આ ચૂંટણીઓમાં ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટે પ્રથમ તો આ બધી જ મહાનગરપાલિકાઓમાં વોર્ડ દીઠ ૦૩ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી.

જેમણે ૨૪ થી ૨૬ જાન્યુઆરી સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. નિરીક્ષકોએ જે-તે વોર્ડમાં જઈને ટિકિટ વાંચ્છુ એવા ઉમેદવારોના બાયોડેટા કલેક્ટ કર્યા હતા. આ નિરીક્ષકોમાં સાંસદ, પૂર્વ સાંસદ, ધારાસભ્ય, સંગઠનના હોદ્દેદારો, શહેર અને જિલ્લા પ્રમુખોનો સમાવેશ કરાયો હતો. આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં નિરીક્ષકો પાસે ઉમેદવારી નોંધાવવા ૦૭ હજાર જેટલા બાયોડેટા આવ્યા છે. સામાન્ય રીતે આ ચૂંટણીમાં ઝંપલાવનાર સંભવિત ઉમેદવારોમાં મોટા પાયે ચાલુ કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, જે તે વોર્ડના અગ્રણી કાર્યકરો, સાંસદની પેનલના કાર્યકરો, ધારાસભ્યોની પેનલના કાર્યકરો, ભાજપના સંગઠનના હોદ્દેદારોના મનગમતા કાર્યકરો વગેરે સભ્યોએ ટિકિટની માંગ કરી હતી. જેને લઇને અમુક જગ્યાએ ગજગ્રાહ પણ જાેવા મળ્યો હતો. અમદાવાદના નરોડા વોર્ડમાં ટિકિટને લઈને ચાલુ કોર્પોરેટર અને એક કાર્યકર વચ્ચે મારામારી પણ થઈ હતી. જાે કે બાકી જગ્યાઓએ સેન્સની પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે.