પંચમહાલ-

પંચમહાલમાં બોગસ તબીબ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ગોધરામાંથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતાં વધુ ત્રણ તબીબ સામે એસઓજીએ કાર્યવાહી કરી છે. છેલ્લાં પાંચ દિવસમાં જિલ્લામાથી કુલ ૬ બોગસ તબીબ ઝડપાયા છે.

પંચમહાલમાં મેડિકલ ઓફિસરને સાથે રાખીને એસઓજીની ટીમે કાર્યવાહી કરી હતી. જેમાં ગોધરા બી ડિવીઝન પોલીસ મથકે સાદીક મહંમદ મલા, સૂફીયાન વાઢેલ અને ઉવેશ સદામસ સામે પોલીસે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. સૂફીયાન અને ઉવેશ બંને એક જ દવાખાનામાં પ્રેક્ટિસ કરતાં હતાં. દવાખાનામાંથી પોલીસે એલોપેથી દવા અને મેડિકલ સાધનો મળી કુલ ૮૮ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તમામ તબીબો પાસે એલોપેથી દવા સારવાર માટે માન્યતા પ્રાપ્ત ડિગ્રી ન હતી. આમ, પાંચ દિવસમાં જિલ્લામાંથી કુલ ૬ બોગસ તબીબ ઝડપાયા છે. પંચમહાલ જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ગુજરાતના આ છેવાડાના જિલ્લામાંથી સતત ઝોલાછાપ ડોક્ટરો મળી રહ્યાં છે. ૬ દિવસ પહેલા એસઓજી ટીમે કાલોલના એરાલમાંથી બે બોગસ પરપ્રાંતિય તબીબોની ધરપકડ કરી હતી. ત્યારે ગઈકાલે એકવાર આ વિસ્તારમાંથી લેભાગુ તબીબ પકડાયો હતો, જે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને છેતરીને તેમની સારવાર કરતા હતા. સતત વધી રહેલા આ કિસ્સાઓ પરથી સમજી શકાય છે કે, બોગસ તબીબો ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારમાં પોતાની હાટડીઓ ખોલીને બેસી જાય છે. જેમાં ગ્રામ્ય લોકો ફસાય છે.