આણંદ : વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં બોગસ માર્કશીટનો કેસ નોંધાતા ફરી વિવાદ સર્જાયો છે. કેસની વિગત મુજબ, એક વિદ્યાર્થીનીએ રિઝલ્ટ પેન્ડિંગ હોવાથી યુનિવર્સિટીમાં પોતાનું રિઝલ્ટ પેન્ડિંગ હોવાની રજૂઆત કરી હતી. જાેકે, પાછળથી યુનિવર્સિટી દ્વારા રિઝલ્ટ રજૂ કરવા માટે કહેતાં તેણીએ માર્કશીટ આપી હતી તે બોગસ હોવાનું વેરિફિકેશનમાં બહાર આવ્યું હતું. આ મામલે યુનિવર્સિટી દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. સાથે છાત્રાને આગામી નવ ડિસેમ્બરના રોજ વાલી સાથે હાજર રહેવા વિદ્યાર્થીનીને કહેવામાં આવ્યું છે. 

યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યાં મુજબ આ મામલે તપાસ કરવા માટે ચાર સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિમાં સિન્ડિકેટ સભ્ય, ગુજરાતી ડિપાર્ટમેન્ટના બે પ્રોફેસર અને કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના એક પ્રોફેસરની નિમણૂક કરવામાં આવી છે. બુધવારે મોડી સાંજે આ સમિતિએ તપાસના અંતે વિદ્યાર્થિની દ્વારા રજૂ કરાયેલી માર્કશીટ બોગસ હોવાનું જાહેર કર્યું હતું. સરદાર પટેલ યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થિની દ્વારા બોગસ માર્કશીટ રજૂ આ મામલે લેખિતમાં એક અરજી તૈયાર કરી વિદ્યાનગર પોલીસને આપવામાં આવી હતી. વિદ્યાનગર પોલીસ દ્વારા કોઈ પાક્કી ફરિયાદ કરી નહોતી.

આ પહેલી ઘટના નથી

ગત વર્ષે એનઆઈઓએસમાં અભ્યાસ કરતાં અનેક વિદ્યાર્થીેએ બોગસ માર્કશીટ રજૂ કરી હતી. છેલ્લાં કેટલાંય સમયથી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાથી લઈને રિઝલ્ટની પ્રક્રિયા ઓનલાઈન થતી હોવાથી હવે કોઈ પણ વિદ્યાર્થી બોગસ માર્કશીટ રજૂ કરે એટલે પકડાઈ જ જાય છે.

અગાઉ અનેક કૌભાંડ પકડાયાં હતાં, વીસથી પચ્ચીસ હજારમાં બને છે માર્કશીટ

સૂત્રોનું કહેવું છે કે, માર્કશીટ રૂપિયા વીસથી પચ્ચીસ હજારમાં બનતી હોય છે. ભણી રહેલા છાત્રો પાસે આટલાં પૈસા કેવી રીતે આવે તે પણ એક પ્રશ્ન છે. વાલીઓએ પણ આ મામલે સજાગ થવાની જરૂર છે.