અમદાવાદ, અમદાવાદ શહેરનું કૃષ્ણનગર પોલીસ સ્ટેશન એટલે વિવાદોનું ઘર. તાજેતરમાં રાત્રિ કર્ફ્‌યૂ દરમિયાન મારામારીનો બનાવ સામે આવ્યો હતો. આ મારામારી દરમિયાન એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ કેસમાં પોલીસે બે લોકો સામે મારામારીનો જ ગુનો નોંધ્યો હતો. હત્યાની આ ઘટનામાં કૃષ્ણનગર પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. યુવકની મારામારી સમયનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સાતથી આઠ લોકો યુવકને લાકડી વડે મારી રહ્યા છે. આ મામલે કૃષ્ણનગર પોલીસે માત્ર બે લોકો સામે સામાન્ય ગુનો દાખલ કરીને કાર્યવાહી હતી. જાેકે, વાયરલ વીડિયોએ પોલીસની આ ભેદી કામગીરીની પોલ ખોલી નાખી છે.  

આ બાબતે કડક પગલા લેવા જરૂરી બન્યા હોવા છતાંય સ્થાનિક પીઆઇને બચાવવામાં આવી રહ્યા હોવાનો મૃતકના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી વિદ્યાવિહાર સ્કૂલ પાસે આવેલા ઉમિયા પાન પાર્લર નજીક આવેલા જાહેર રોડ ઉપર હિતેશ શાહ ઉર્ફે હિતેશ તલવાર અને તેના પુત્ર નિશુ શાહે ધ્રુવરાજસિંહ ભાટી નામના યુવકને લાકડીઓ અને ધોકા વડે માર મારતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જેઆર પટેલે હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટના હોવા છતાં મૃતક ધ્રુવરાજસિંહના પરિવારની સામાન્ય મારામારીની ફરિયાદ લીધી હતી. પીઆઈએ ડાઈંગ ડિક્લેરેશન લેવાની પણ તસ્દી લીધી ન હોવાનો આક્ષેપ મૃતકના પરિવારે કર્યો છે. આ સમગ્ર બાબતમાં પીઆઈની ગંભીર બેદરકારી ખોલતો વીડિયો સામે આવ્યો છે.  

આ વીડિયો મન વિચલિત કરી દે એવો છે છતાંય પોલીસના પેટનું પાણી હલ્યું નથી. મૃતક ધ્રુવરાજસિંહને બે લોકોએ જ નહીં પરંતુ સાતથી આઠ લોકોએ ભેગા મળી માર માર્યો હોવાનું વીડિયોમાં જાેવા મળ્યું છે. આ વીડિયોમાં અનેક લોકો માર મારતા દેખાય છે ત્યારે પીઆઇ જેઆર પટેલે શા માટે માત્ર બે લોકો સામે જ ગુનો નોંધ્યો હતો તે સવાલ ઉપસ્થિત થયો છે. અવારનવાર આ પોલીસ સ્ટેશનના અધિકારીઓ વિવાદમાં આવી રહ્યા છે પરંતુ ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી કોઈ પગલાં લેવાતા નથી. નરી આંખે દેખાતી ઘટનામાં પણ પોલીસ સેટિંગ કરે છે અને મૃતકના પરિવારજનો ન્યાય માટે વલખા મારી રહ્યા છે. આ બાબત ખરેખરે ચિંતાજનક છે.