વડોદરા, તા.૧૧ 

હોટેલ અને બિલ્ડિંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરે માનસિક બીમારીના કારણે તથા ટેન્શનના લીધે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. સયાજીગંજ પોલીસ દ્વારા તેમનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ વર્તુળમાંથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના નિઝામપુરા વિસ્તારની ડીલક્સ સોસાયટી પાસે આવેલ કમલકુંજ સોસાયટીમાં રહેતા હરીશભાઈ ગોવિંદલાલ પંડિત (ઉં.વ.૬૧) પરિવાર સાથે રહેતા હતા. તેઓ હોટેલ તથા બિલ્ડર લાઈનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ રેલવે સ્ટેશન પાછળ આવેલ મમતા હોટેલની પણ માલિકી ધરાવતા હતા. છેલ્લાં ઘણાં સમયથી ટેન્શનના કારણે માનસિક સ્થિતિ નાજુક બની હતી, જેથી તેમની સારવાર પણ ચાલતી હતી. તેઓ ઊંઘવા માટે ગોળીઓ લેતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ હરીશભાઈ પંડિત તેમની માનસિક બીમારીથી કંટાળી ગયા હતા, જેથી તેઓ રેગ્યુલર દવાનો વધારે પડતો ડોઝ લઈને સૂઈ ગયા હતા. આ દરમિયાન તેઓ કોમમાં સરી પડયા હતા. સવારે તેઓ પોતાના બેડરૂમમાં બેભાન હાલતમાં મળી આવતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ આપઘાતના બનાવની જાણ સયાજીગંજ પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે બનાવના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.