બેટ દ્વારકામાં સરકારી દબાણો ઉપર બુલડોઝર
12, માર્ચ 2023

દ્વારકા, રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર અને અનધિકૃત રીતે સરકારી જમીન પર કબજાે કરનારા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા થોડા સમય પૂર્વે મેગા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યમાં સૌપ્રથમ વખત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ધર્મસ્થળ વિસ્તારમાં થોડા સમય પૂર્વે હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં ધર્મસ્થળો, કોમર્શિયલ તેમજ રહેણાંક બાંધકામો, વંડાઓ, વગેરે પ્રકારનું સરકારી જમીન ઉપરનું દબાણ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. ત્યારે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ પલસાણિયાએ જણાવ્યું હતું કે, ૬૦ કોમર્શિયલ, ૧૫૦ રહેણાંક અને ૭ અન્ય બાંધકામ મળીને કુલ ૯.૫ લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામો હર્ષદ ગાંધવીમાં ડિમોલિશ કરવામાં આવશે. થોડા સમયના બ્રેક બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી વધુ એક દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ઐતિહાસિક ધર્મસ્થળ હર્ષદ ગાંધવી ખાતે આજરોજ ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના વડપણ હેઠળ સ્થાનિક રેવન્યુ સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારના દબાણો પર ડિમોલિશન કાર્ય કરવાની કામગીરીનું સુવ્યવસ્થિત આયોજન કરાયું હતું. થોડા સમય પૂર્વે આ વિસ્તારના દબાણકારોને ૧૮ જાન્યુઆરીના રોજ લેખિત નોટિસ ઇશ્યૂ થયા બાદ અનેક દબાણો યથાવત રહેતા આખરે આજે સવારથી જૂદા-જૂદા પ્રકારના દબાણો પર સરકારી મશીનો વડે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ પલસાણિયાએ જણાવ્યું હતું કે, ૬૦ કોમર્શિયલ, ૧૫૦ રહેણાંક અને ૭ અન્ય બાંધકામ મળીને કુલ ૯.૫ લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામો હર્ષદ ગાંધવીમાં ડિમોલિશ કરાશે.

૫ મહિના પહેલા દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી

બેટ દ્વારકા ખાતે તારીખ ૧ ઓક્ટોબર ૨૦૨૨થી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ પ્રથમ ચરણમાં વેગવંતી રહ્યા બાદ થોડા દિવસોના વિરામ પછી શરૂ થયેલા બીજા રાઉન્ડમાં સૌથી વધુ કહી શકાય તેટલું મંગળવારે વધુ ૫૦ હજાર ફૂટ જેટલું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું. આ જગ્યાની બજાર કિંમત આશરે રૂપિયા એક કરોડ ઉપરાંતની ગણાવી હતી.

વધુ ૫૦ હજાર ફૂટ દબાણ ખુલ્લું કરાયું

ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા ગુપ્તતાપૂર્વક કરવામાં આવેલા સર્વે બાદ હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં એક સપ્તાહના સમયગાળા દરમિયાન આશરે રૂપિયા ૭ કરોડથી વધુની કિંમતની પોણા બે લાખ ફૂટ જેટલી જગ્યા પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું. તંત્ર દ્વારા હાથ વધારવામાં આવેલી આ દબાણ હટાવ ઝુંબેશના આટલા દિવસોમાં ક્યાંય ઘર્ષણ કે તંગદીલીના બનાવો બન્યા ન હતા.

સપ્તાહમાં પોણા બે લાખ ફૂટ જગ્યા પર બુલડોઝર ફરી વળ્યું હતું

જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, સ્થાનિક ચીફ ઓફિસર, મામલતદાર, વગેરેની ટીમ દ્વારા દુકાનો, મકાન, પાકા વંડાઓ સહિતની જગ્યાઓ ખુલી કરવામાં આવી હતી. બેટ દ્વારકાના આ ઓપરેશનની કામગીરીમાં તંત્રને મળેલી સફળતા બાદ દરિયા કિનારાની આંતરિક સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં અન્ય જિલ્લાઓમાં પણ શરૂ થયેલા ડિમોલિશનથી મૃદુ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છાપ હવે મક્કમ મુખ્યમંત્રી તરીકેની ઊભી થઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution