સાબર ડેરી સામે પાંચમા દિવસે પણ પશુપાલકોનો વિરોધ
18, જુલાઈ 2025 2475   |  

ઈડર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો સાબરડેરી સામેનો વિરોધ પાંચમા દિવસે પણ યથાવત રહ્યો છે ત્યારે સાડા ત્રણ લાખ પશુપાલકો સાથે જાેડાયેલી સાબરડેરી દ્વારા પશુપાલકોની ભાવ વધારાની માંગણી ન સ્વીકારાતા આ વિરોધ શરૂ થયો હતો પશુપાલકોએ હિંમતનગરમાં હાઈવે પર ટેન્કરોના વાલ્વ ખોલી દૂધ ઢોળ્યું. મોડાસામાં પશુપાલકોએ ડેરીમાં દૂધ ન ભરી સ્થાનિક જરૂરિયાતમંદોમાં વિતરણ કર્યું હતું. જ્યારે હિંમતનગર- શામળાજી નેશનલ હાઈવે ૪૮ પર જવાનપુરા ગામ નજીક કેટલાક લોકોએ બે દૂધ ટેન્કરોના વાલ્વ ખોલી દૂધ રોડ પર ઢોળી દીધું હતુ આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પશુપાલકો કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે બીજી બાજુ હિંમતનગરના આકોદરા ગામમાં આવેલી દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલમાં દૂધ મંડળી બંધ રહી છે કેટલાક ગામોમાં લોકો દૂધ ડેરીમાં ન મોકલતા સ્થાનિક જરૂરિયાતમંદોને આપી રહ્યા છે પશુપાલકોમાં સાબર ડેરી સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને જાે તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે તેવું જાણવા મળ્યું છે. વધુમાં આ આંદોલનમાં આમ આદમી પાર્ટીની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ૨૩ જુલાઈ ના રોજ મોડાસા ખાતે ‘ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં હાજરી આપશે અને પશુપાલકોના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવશે.

આપ બાદ કોંગ્રેસ પણ પશુપાલકોના સમર્થનમાં ઉતરી

સાબરડેરીના વાર્ષિક ભાવફેરના મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં આપ બાદ હવે કોંગ્રેસ પક્ષ પણ પશુપાલકોના સમર્થનમાં સામેલ થયો છે. જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકીની આગેવાની હેઠળ ઈડર, હિંમતનગર અને તલોદ સહિતના તાલુકા અને જિલ્લા મથકોએ નાયબ કલેકટર અને મામલતદારને આવેદનપત્રો સુપરત કરવામાં આવ્યા હતા કોંગ્રેસે માંગ કરી છે કે સાબરડેરી દ્વારા યોગ્ય અને પશુપાલકોના હિતમાં ભાવફેર ચૂકવવામાં આવે આ ઉપરાંત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે જે દર્શાવે છે કે આ મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે

સાબર દાણનું રો-મટીરીયલ્સ સપ્લાય કરતા બાબુ બારદાન ઉપર ગંભીર આક્ષેપો કરતી પોસ્ટ વાયરલ

વધુમાં જાણવા મળ્યા મુજબ સાબરડેરીમાં સાબર દાણમાં વપરાતું રો-મટીરીયલ્સ સપ્લાય કરતા એવા બાબુસિંહ રાજપુરોહીત ઉર્ફે બાબુ બારદાન ઉપર ગંભીર આક્ષેપો સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે અને આ વાયરલ પોસ્ટ પર બંને જિલ્લાના પશુપાલકો સોશિયલ મીડિયામાં પોતાનો રોષ વ્યક્ત કરતા પણ જાેવા મળ્યા હતા જેમાં આક્ષેપો કર્યા છે કે ૧૨૦ ટ્રકો મારફતે બંન્ને જીલ્લામાં પોતે જ સાબર દાણનું પરિવહન કરે છે જેનું ટેન્ડર વર્ષોથી અંબિકા ટ્રાન્સપોર્ટનું હોય છે જ્યારે આ વાયરલ પોસ્ટ મારફતે ન્યાયિક તપાસની માંગ જેવા આક્ષેપો પશુપાલકો કરી રહ્યા છે

સાબર ડેરીના એમ.ડી.એ શું કહ્યું?

આ સમગ્ર મામલે સાબર ડેરીના એમ.ડી સુભાષ પટેલે જણાવ્યું હતું કે અમારી દ્રષ્ટિએ રોષ ઘટતો જાય છે હવે જે દૂધ ઉત્પાદકો જે દૂધ ભરવા માટે તૈયાર છે પણ જે અસામાજિક તત્વો જે દૂધ વચ્ચે ભરવા નથી દેતા અને આવી બધી જે ઘટનાઓ બને છે એટલે થોડી અસમંજસના કારણે દૂધ ભરતા નથી પણ અમારું દૂધ આજથી નોર્મલ થવા માંડ્યું છે અને લગભગ ૧૫ લાખ લીટર ઉપર અમારું દૂધ આવશે એવી ગણતરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution