17, જુલાઈ 2025
2079 |
મોડાસા, સાબર ડેરી સામે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા પશુપાલકોનું આંદોલન ચાલી રહ્યું છે. ૧૪ તારીખે શરૂ થયેલા આ આંદોલનમાં પ્રથમ ૩ દિવસ પશુપાલકોએ ઠેર ઠેર જગ્યાએ દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો, પણ હવે ઘણી જગ્યાએ દૂધ ન ઢોળીને પશુપાલકો એનો સદુપયોગ કરી રહ્યા છે. હિંમતનગરના હડિયોલ ગામમાં અને મોડાસાના મેઢાસણ ગામમાં પશુપાલકોએ દૂધ ન ઢોળીને શાળાના વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદોને વિતરણ કર્યું છે.હિંમતનગરના હડિયોલ ગામના યુવાનોએ દૂધ વેડફવાને બદલે એનો સદુપયોગ કરવાનો ર્નિણય લીધો હતો. તેમણે ગામમાંથી એકત્રિત કરેલું દૂધ ગરમ કરી એમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી હડિયોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદોને વિતરણ કર્યું હતું. હડિયોલ દૂધ મંડળીમાં રોજની ૧૩૦૦ લિટર દૂધની આવક છે. ૧૫ તારીખથી દૂધ ભરાવવાનું બંધ કરવામાં આવ્યું છે. ગુરુવારે ગામના યુવાનોએ ૮૦૦ લિટર દૂધનું વિતરણ પ્રાથમિક, માધ્યમિક અને ખાનગી શાળાઓમાં કર્યું હતું.હડિયોલ ગામના પશુપાલક મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામના પશુપાલકોએ હડિયોલ દૂધ મંડળીમાં દૂધ ન ભરવાનો ર્નિણય કર્યો છે, સાથે દૂધ ઢોળીને મહાપાપ કરવાને બદલે ગામમાં યુવાનોએ ૮૦૦ લિટર દૂધ એકત્ર કરીને ગરમ કરીને મસાલા નાખીને શાળાના વિદ્યાર્થીઓ, સિવિલના દર્દીઓ અને આસપાસના જરૂરિયાતમંદ ૧૨૦૦થી ૧૩૦૦ લોકોને વિતરણ કર્યું છે. તેમણે જિલ્લાના અન્ય પશુપાલકોને પણ આવું કરીને મહાપુણ્યનું કામ કરવા હાંકલ કરી છે. હડિયોલ પ્રાથમિક શાળાના આચાર્ય મયૂર પટેલે જણાવ્યું હતું કે ગામના યુવાનોએ મને ગઈકાલે શાળામાં દૂધ વિતરણ કરવાનું છે એ જાણ કરી હતી. તેઓ સવારે દૂધ ગરમ કરીને શાળામાં લઈને આવ્યા હતા અને શાળાનાં તમામ ૫૦૦થી વધુ બાળકોને દૂધ વિતરણ કર્યું હતું. બાળકોએ ખૂબ આનંદથી દૂધ પીધું હતું અને વખાણ્યું હતું.મોડાસાના મેઢાસણ ગામે પણ પશુપાલકોએ દૂધનો વ્યય કરવાના બદલે એનો સદુપયોગ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે દૂધને રસ્તા પર ઢોળી દેવાના બદલે એ દૂધને પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલનાં બાળકોને પિવડાવ્યું હતું. આ પહેલ દ્વારા તેમણે એક તરફ પોતાની માગણીઓ પ્રત્યે અડગતા દર્શાવી, તો બીજી તરફ દૂધ જેવા પૌષ્ટિક આહારનો બગાડ ટાળીને બાળકોનાં સ્વાસ્થ્ય માટે ઉપયોગ કર્યો.આંદોલન માત્ર દૂધ ઢોળી નુકસાની કરવાની વાત નથી, પરંતુ મોડાસાના વણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. તેમણે મોડાસા બાયપાસ હાઈવે પર દૂધનાં પાઉચ બનાવીને આવતા-જતા વાહનચાલકો સહિત લોકોને વિનામૂલ્યે વિતરણ કર્યું હતું, જેથી દૂધનો બગાડ ન થાય.સાબર ડેરી સામે પશુપાલકોના આ આંદોલનની શરૂઆત ૧૪ તારીખે થઈ હતી, જ્યારે પશુપાલકો ભાવ ફેરફારની રજૂઆત માટે સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા. રજૂઆત ન સાંભળવામાં આવતાં ઘર્ષણ અને પથ્થરમારો થયો હતો. ત્યારથી પશુપાલકોએ દૂધ ભરાવવાનું બંધ કર્યું છે. સાબરડેરી સામે પશુપાલકોનુ દૂધ બંધ આંદોલન દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે કેટલાક પશુપાલકો દૂધ ઢોળી વિરોધ કરી રહ્યા છે તો સામે કેટલાક દૂધ ઉત્પાદકો દૂધ નહીં ઢોળી એનો સદુપયોગ કરી સેવાકાર્ય કરી રહ્યા છે. પશુપાલકો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે જ્યાં સુધી તેમની મુખ્ય માગણીઓ ખાસ કરીને દૂધના ભાવફેર અંગેની પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ દૂધ મંડળીઓમાં દૂધ ભરાવવાનું ચાલુ નહીં કરે. આંદોલનકારીઓ તેમની માગણીઓ પ્રત્યે મક્કમ છે અને આગામી સમયમાં પણ વિરોધ કાર્યક્રમો ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.મોડાસાના જાલોદર ગામે પશુપાલકોએ સાબર ડેરીના સત્તાધીશોની નાનામી કાઢીને પૂતળાદહન પણ કર્યું હતું. ઇસરોલ અને ઉમેદપુર ગામમાં સ્થાનિકો અને ખાસ કરીને મહિલાઓએ સાબર ડેરી વહીવટી તંત્રની નનામી બનાવીને સ્મશાનયાત્રા કાઢી હતી. ત્યાર બાદ ગામના ચોરે આ નનામીનું દહન કરીને પોતાનો તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. પશુપાલકોની મુખ્ય માગણી દૂધના ભાવફેરના મુદ્દે વાજબી ર્નિણય લેવાની અને તેમના પર થયેલી પોલીસ કાર્યવાહી પાછી ખેંચવાની છે.