28, એપ્રીલ 2025
વડોદરા |
5049 |
એક મહિલા સહિત ચાર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધાયો
કોર્પોરેશનના કર્મચારીઓને ધક્કા મારી પાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી
શહેરમાં રખડતા પશુઓના કારણે અકસ્માતોની ઘટના ઘટી રહી છે. તો બીજીતરફ રખડતા પશુઓ પકડવાની કામગીરી દરમિયાન કોર્પોરેશનના કર્મચારીઓ ઉપર હુમલાના બનાવો પણ બને છે. ગતરોજ આજવા રોડ ખાતે રખડતા ઢોર પકડવાની કામગીરી દરમ્યાન પશુપાલકોએ કોર્પોરેશને પકડેલી ગાય છોડાવવા હુમલો કરતા એક મહિલા સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
વડોદરા કોર્પોરેશનના કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર ભવાનીસિંહ કનોજીયાની ફરિયાદ મુજબ, ગઈકાલે સાંજે કોર્પોરેશનની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આજવા રોડ ખાતે રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી હતી. તે સમયે સર્વિસ રોડ પરથી એક રખડતી ગાયને પકડી આજવા બ્રિજ નીચે બાંધી હતી. જ્યાં ગાયના માલિક જયદીપસિંહ ચૌહાણ અને વશરામભાઈ ભરવાડએ કોર્પોરેશનના સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ સાથે બિભત્સ વર્તન કરી અમારી ગાય કેમ પકડી છે?, તે ગાયને અમે તમને લઈ જવા નહીં દઈએ તેમ કહી ગાયને છોડાવવાની કોશિશ કરી કોર્પોરેશનના કર્મચારીઓને ધક્કા મારી પાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે ગાયના ગળાનું દોરડું કાઢી ગાય ભગાડી જવાની કોશિશ કરતા હોય સ્ટાફના કર્મચારીઓએ તે દોરડું પકડી રાખતા હાથ પર માર મારી ઈજા પહોંચાડી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે જયદીપસિંહ જશવંતસિંહ ચૌહાણ, સવિતાબેન જશવંતસિંહ ચૌહાણ, સંદીપસિંહ રણજીતસિંહ ચૌહાણ અને વશરામભાઈ દેવાભાઈ ભરવાડ વિરુદ્ધ કાયદેસરની ફરજમાં રૂકાવટ તથા મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.