25, જુન 2025
1584 |
નવી દિલ્હી, હવે વર્ષમાં બે વખત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા લેવામાં આવશે. ૨૦૨૬થી આ નવો નિયમ લાગુ થશે. સીબીએસઈ એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, સીબીએસઈએ વર્ષમાં બે વખત પરીક્ષા લેવાના મોડલને મંજૂરી આપી દીધી છે.
ધોરણ ૧૦ની પ્રથમ પરીક્ષા ફેબ્રુઆરી અને બીજી પરીક્ષા મે મહિનામાં યોજાશે. ફેબ્રુઆરીમાં યોજાયેલી પરીક્ષાના પરિણામ એપ્રિલમાં અને મેમાં યોજાનારી પરીક્ષાના પરિણામ જૂનમાં જાહેર થશે.
ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓએ પહેલી પરીક્ષામાં ભાગ લેવો અનિવાર્ય છે. બીજી મેમાં યોજાનારી બોર્ડ પરીક્ષાનો વિકલ્પ વૈક્લ્પિક રહેશે. પહેલી પરીક્ષામાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બીજી વખત પરીક્ષા આપી પોતાના માર્ક્સ સુધારી શકશે. નવા નિયમોના કારણે ઈન્ટરનલ અસેસમેન્ટ વર્ષમાં એક જ વખત થશે.
નવી સિસ્ટમથી વિદ્યાર્થીને શું ફાયદો થશે?
સીબીએસઈ દ્વારા ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વખત લેવાના ર્નિણયથી વિદ્યાર્થીઓને લાભ થશે. જેમાં પહેલી પરીક્ષામાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ફરીવાર પરીક્ષા આપી પોતાના માર્ક્સમાં સુધારો કરી શકશે. સૌથી વધુ માર્ક્સને અંતિમ પરિણામ તરીકે સ્વીકારવામાં આવશે. જાે કોઈ વિદ્યાર્થીને પહેલી પરીક્ષામાં વધુ માર્ક્સ આવ્યા હોય અને બીજામાં ઓછા તો પહેલી પરીક્ષાનું પરિણામ અંતિમ ગણાશે.