અદાણી પાવરની વિસ્તરણ યોજનાઓને કેન્દ્રની પર્યાવરણ પેનલની મંજૂરી : EACની બેઠકમાં નિષ્ણાતોની ટીમ દ્વારા લીલી ઝંડી
04, જુલાઈ 2025 વડોદરા   |   2772   |  

ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ સ્વતંત્ર પાવર ઉત્પાદક અદાણી પાવર લિમિટેડ (APL) માટે વધુ એક સારા સમાચાર છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) ની નિષ્ણાત પેનલે અદાણી પાવર લિમિટેડને હાલના થર્મલ પાવર પ્લાન્ટ્સના વિસ્તરણ માટે મંજૂરી આપી છે. આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે ભારત દેશની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે આગામી છ વર્ષમાં 90 ગીગાવોટ (GW) વીજ ઉત્પાદન ક્ષમતા ઉમેરવા માટે હરણફાળ ભરી રહ્યું છે.

ભારતની ટોચની વીજ માગ 2032 સુધીમાં 458 GW સુધી પહોંચવાનો અંદાજ છે. જેને પહોંચી વળવા માટે દેશ તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાને વર્તમાન 476 GW થી વધારીને 900 GW કરવાની યોજના ધરાવે છે. સરકાર હવે નાણાકીય વર્ષ 2025-26 માં 12.86 GW થર્મલ ક્ષમતા ઉમેરવાની અપેક્ષા રાખે છે.

પર્યાવરણ મંત્રાલયની થર્મલ પ્લાન્ટ્સ પરની નિષ્ણાત મૂલ્યાંકન સમિતિ (EAC) એ કોરબાના 600 મેગાવોટના લેન્કો અમરકંટક પાવર પ્લાન્ટના વિસ્તરણ સાથે આગળ વધવાની ભલામણ કરી હતી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ પ્લાન્ટ અદાણી ગ્રુપ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો. અદાણી પાવર લિમિટેડ આ પ્લાન્ટને વધારાની 1,320 MW (660 MW x 2) ક્ષમતા સાથે વિસ્તૃત કરી રહી છે. કંપની નાણાકીય વર્ષ 2032 સુધીમાં 13.12 GW થર્મલ ક્ષમતા ઉમેરીને 30.67 GW સુધી પહોંચવાની યોજના ધરાવે છે, જે હાલમાં 17.5 GW છે. 

EACની બેઠકમાં વિસ્તરણ માટે પ્રસ્તાવિત છ થર્મલ પાવર પ્લાન્ટની સમીક્ષામાં અન્ય ત્રણ કંપનીઓના પ્રોજેક્ટ, નિષ્ણાત પેનલ તરફથી પર્યાવરણીય મંજૂરી મેળવવામાં નિષ્ફળ ગયા હતા. પર્યાવરણીય મંજૂરીઓ ઝડપી બનાવવાથી વિલંબમાં પડેલ પાવર પ્લાન્ટના સમયસર કાર્યરત થવામાં મદદ મળશે. નાણાકીય વર્ષ 25માં ભારત તેના થર્મલ પાવર ઉમેરણ લક્ષ્યને મોટા માર્જિનથી ચૂકી ગયું હતું.  

અમદાવાદ સ્થિત અદાણી પાવર લિમિટેડ (APL) ક્ષમતા વિસ્તરણના પ્રયાસોને સતત વેગ આપી રહી છે. ભારતની વધતી જતી વીજ માંગને જોતા 2030 સુધીમાં સરકારે 400 ગીગાવોટ પાવર જનરેશન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જેમાંથી 300 ગીગાવોટ થર્મલ પાવર પ્લાન્ટમાંથી પેદા થશે. આગામી 5-6 વર્ષોમાં તે 80-90 GW થર્મલ ક્ષમતા ઉમેરવાની જરૂર પડશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution