04, જુલાઈ 2025
વડોદરા |
2178 |
દશામાં પર્વને લઈને તળાવોની સફાઈ બાદ પાણી ભરાશે
આગામી દિવસોમાં દશામાંના પર્વને લઈને પાલિકા તંત્ર દ્વારા આ વર્ષે અત્યારથી તૈયારી શરૃ કરી છે. અને હરણી સહિત કૃત્રિમ તળાવો જ્યાં દશામાંની મૂર્તીઓનું વિસર્જન કરવામાં આવે છે. તેના સફાઈની કામગીરી શરૃ કરી છે. તળાવની સફાઈ બાદ તેમાં પાણી ભરવામાં આવશે તેમ જાણવા મળે છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા ગણેશજીની મૂર્તીના વિસર્જન તેમજ દશામાંની મૂર્તીઓને વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે. જોકે, પીઓપીની મૂર્તીઓના વિસર્જન બાદ પણ કેટલીક મૂર્તીઓ યથાવત જોવા મળે છે. હવે દશામાં પર્વ આવી રહ્યું છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા હરણી તળાવ પાસે બનાવેલા કૃત્રિમ તળાવ સહિત કૃત્રિમ તળાવોની સફાઈની કામગીરી શરૃ કરી છે. જોકે, તળાવોમાં મૂર્તિઓના કાટમાળ હજુ જોવા મળી રહ્યો છે. કેટલીક મૂર્તીઓ વિસર્જીત નહી થતાં મૂર્તિઓના ઢગલા વળ્યા હતા. અને સફાઈ તેમજ પાણીના અભાવે દશામાંની મૂર્તી વિસર્જનમાં સમસ્યા સર્જાઈ હતી. ત્યારે ગત વર્ષના અનુભવને લઈને આ વર્ષે તંત્ર વહેલું જાગ્યું છે. અને કૃત્રિમ તળાવોની સફાઈની કામગીરી હાથ ધરી છે.