05, જુલાઈ 2025
ટેક્સાસ |
1980 |
13નાં મોત, સમર કેમ્પમાં ગયેલી 20થી વધુ યુવતીઓ ગુમ
અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં રાત્રી દરમિયાન ભારે વરસાદે તબાહી મચાવી છે. માત્ર થોડા કલાકોમાં જ એટલો વરસાદ પડ્યો જેટલો સામાન્ય રીતે મહિનાઓમાં પડતો નથી, જેના કારણે ગુઆડાલુપ નદીમાં પૂર આવ્યું. નદીમાં પૂરને કારણે 13 લોકોએ જીવ ગુમાવ્યા અને ગર્લ્સ સમર કેમ્પમાં આવેલી 20 થી વધુ છોકરીઓ ગુમ થઈ ગઈ. બચાવ ટીમ હેલિકોપ્ટર અને બોટ દ્વારા નદીના પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
કેરવિલે કાઉન્ટીમાં રાત્રે 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે નદીનું જળ સ્તર અચાનક વધી ગયું. હન્ટ નજીક ગુઆડાલુપ નદીનું પાણીનું સ્તર માત્ર 2 કલાકમાં 22 ફૂટ સુધી વધી ગયું. એકાએક થયેલા ભારે વરસાદના કારણે હંટમાં સ્થિત કેમ્પ મિસ્ટિક નામનો એક ખાનગી ખ્રિસ્તી છોકરીઓનો સમર કેમ્પ આ પૂરની ઝપેટમાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે જણાવ્યું હતું કે કેમ્પની 23 છોકરીઓ હજુ પણ ગુમ છે. કેમ્પ મિસ્ટિકે યુવતીઓના માતાપિતાને એક ઇમેઇલ મોકલીને જણાવ્યું હતું કે જે બાળકો મળી આવ્યા છે તેમના પરિવારોને જાણ કરવામાં આવી છે. જો કે, કેમ્પમાં વીજળી, વાઇ-ફાઇ અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે, અને ત્યાં જતો રસ્તો પણ ધોવાઈ ગયો છે.