05, જુલાઈ 2025
જમ્મુ |
1782 |
પહેલગામ રૂટ પર અકસ્માત, બસની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો
અમરનાથ યાત્રાળુઓને લઈ જઈ રહેલા કાફલાની ચાર બસો અથડાઈ હતી. પહેલગામ રૂટ પર રામબન જિલ્લાના ચંદ્રકોટ લંગર પાસે થયેલા આ અકસ્માતમાં 36 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બ્રેક ફેલ થવાને કારણે બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. જેના કારણે કાફલામાં રહેલી ત્રણ વધુ બસો એકબીજા સાથે અથડાઈ હતી.
આ અગેની જાણ થતાંજ બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત યાત્રાળુઓને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ રામબન લઈ જવામાં આવ્યા. બાકીના મુસાફરોને અન્ય વાહનોમાં પહેલગામ ખસેડવામાં આવ્યા હતા.
આ પહેલા, ભારે વરસાદ છતાં, શનિવારે ભગવતી નગર બેઝ કેમ્પથી 6,900 યાત્રાળુઓનો એક નવું ગ્રુપ રવાના થયો હતો. આ ગ્રુપમાં 5196 પુરુષો, 1427 મહિલાઓ, 24 બાળકો, 331 સાધુ-સાધ્વી અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશન માટે જમ્મુમાં સરસ્વતી ધામ, વૈષ્ણવી ધામ, પંચાયત ભવન અને મહાજન સભામાં સેન્ટર ખોલવામાં આવ્યા છે. અહીં દરરોજ 2000 શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે.