આણંદ : ઉત્તરાયણના પર્વને લઈને ચરોતરમાં લોકોમાં ઉત્સાહ છે, પણ કોરોના મહામારી વચ્ચે સાવચેતીને લઈને બજારમાં હજી સુધી પતંગ-દોરીના વેચાણમાં માહોલ જામતો નથી. જાેકે, દિવાળીની માફક વેપારીઓને છેલ્લે દિવસે ઘરાકી નીકળે તેવી આશા છે. બીજી તરફ હવામાન વિભાગે ઉત્તરાયણના દિવસે હવામાન ચોખ્ખું રહેવાનો વર્તારો કરી દીધો છે. 

પતંગના શોખીનો માટે હવામાન વિભાગ તરફથી સારાં સમાચાર આવ્યાં છે. છેલ્લાં થોડાં દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે વાદળીયું વાતાવરણ છવાયું હતું. વરસાદી ઝાપટાં પડે તેવું લાગતું હતું. પતંગ શોખીનોને ચિંતા હતી કે, ક્યાંક ઉત્તરાયણ બગડે નહીં તો સારું, પણ હવે એવું કંઈ છે નહીં. હવામાન વિભાગનું કહેવું છે કે, ઉત્તરાયણના દિવસે પતંગને માફક આવે તેવો પવન રહેશે. હવામાન વિભાગના આવાં વર્તારા પછી કદાચ ઉત્તરાયણનો માહોલ જામે તેવી શક્યતા છે.

કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અહેવાલ અનુસાર, આજે લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી નોંદાયું હતું. હવામાં ભેજ ૭૯ ટકા અને પવનની ગતિ ૩.૨ કિમી પ્રતિ કલાકની હતી. છેલ્લાં કેટલાંક દિવસોથી છવાયેલાં વાદળછાયા વાતાવરણથી હવે ઉઘાડ નીકળવાની શરૂઆત થઈ છે. ઠંડીનો વધુ એક રાઉન્ડ ઉત્તરાયણ પર જામવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ૮થી ૧૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પવનની આ ગતિ ઉત્તરાયણ માટે એકદમ અનુકૂળ ગણાશે. જાેકે, આગામી તા.૧૧ સુધી વાદળછાયો માહોલ રહેશે. તા.૧૨ જાન્યુઆરીએ સામાન્ય માવઠાંનો પણ વર્તારો કરવામાં આવ્યો છે. એ પછી વાતાવરણ સામાન્ય થઈ જશે. ઉત્તરાયણના દિવસે માફકસર પવન રહેવાની શક્યતાને પગલે એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં પતંગ-દોરી અને ઉત્તરાયણમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓની બજાર નીકળશે.

રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણની ઉજવણી સંદર્ભે ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. કોરોના મહામારીના પગલે કેટલાંક પ્રતિબંધો મૂકવામાં આવ્યાં છે. આ વર્ષે આપણે ઉત્તરાયણ મનાવશું, પણ ચોક્કસ સોશિયલ ડિસ્ટન્સ જાળવશું અને માસ્ક પહેરશું.