અમદાવાદ,કોરોના મહામારીના ૨ વર્ષ બાદ શહેરમાં ઉલ્લાસભેર ઉજવની કરવામાં આવી હતી. શનિવાર અને હનુમાન જયંતીનો આજે વિશેષ યોગ હોવાથી મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું. દાદાના મંદિરોમાં મારુતિ યજ્ઞ અને વિષેશ ભોગ દાદા ને આજે ધરાવવામાં આવ્યા હતા. દાદાને આજે વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. પ્રસિદ્ધ હનુમાન કેમ્પ મંદિરમાં દાદાના શણગાર કર્યા બાદ મહારાતી દ્વાજારોહણ અને ભોગ ધરાવવાવામાં આવ્યા હતા સાથે સાથે દાદાના મંદિર પટાંગણ માં સુંદરકાંડ અને મારુતિ યજ્ઞ પણ કરવામાં આવ્યા હતા. જેનો હજારો ભકતો એ લાભ લીધો હતો મંદિર માં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભકતોને કોઈ પણ તકલીફના પડે તે માટે ટ્રાફિક પોલીસ , સ્થાનિક પોલીસ નો બંદોબત રાખવામાં આવ્યો હતો. મંદિરો દર્શન માટે મોડા સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા..

ત્યારે જગન્નાથ મંદિર ખાડિયાના મંદિર અને નાગરવેલ હનુમાન મંદિરમાં પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક, કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શ્રી નાગરવેલ હનુમાનદાદાના દર્શન કરવા ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હનુમાનદાદાને સિંદૂર, તેલ, ફૂલ-હાર, પ્રસાદ તેમજ શ્રીફળ વધેરી દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી.સવારે ૬ કલાકે ઉત્થાપન આરતી અને ત્રિયંજન, ૮ કલાકે મંદિર ધ્વજારોહણ, ૯ થી ૧૨ કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.બપોરે ૧૨ થી ૧૨.૩૦ કલાકે શ્રી હનુમાન જન્મોત્સવની આરતી અને ભજન કીર્તન સાથે છપ્પનભોગ અન્નકૂટ ધરાવી ઉજવણી કરવામાં આવી હતી.

બપોરે ૧ થી ૪ કલાકે મહાપ્રસાદી (ભંડારો), સાંજે ૫ થી ૭ કલાકે મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.મંદિર ખાતે રાત્રે ૮.૩૦ કલાકે શ્રી નાગરવેલ હનુમાનદાદાની ૧૧૦૦૦ દિવડાઓ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિકોએ પોતાનાં હાથમાં દિવડાઓ લઈ શ્રી નાગરવેલ હનુમાનદાદાની આરતી ઉતારી હતી. આ પ્રસંગે મંદિરના મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજે ભાવિક ભક્તોને પ્રવચન દ્વારા શ્રી હનુમાનજીની મહત્તાનું રસપાન કરાવ્યું હતું.