અમરેલી, રાજુલા તાલુકાનાં આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને મુસાફરી કરવી કઠીન બની છે. અને વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતા ભારે રોષ જાેવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશન પર ચકકાજામ કરવામાં આવ્યો હતો. રાજુલા બસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીની અને કોંગ્રેસ કાર્યકરો તેમજ એનએસયુઆઈની ટીમ સાથે મળીને ચકકાજામ કરતા ડેપો મેનેજર દોડી આવ્યા હતા અને જાંજરડા, બારપટોળી તેમજ કુંડલીયાળા ગામોની બસ નિયમિત ન આવતા વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થતાં અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ એસ.ટી. તંત્ર ઘ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીનીઓ ઘ્વારા ચકકાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને ડ્રાઈવર દ્વારા ઉંડાઉ જવાબ આપતા ભારે રોષ જાેવા મળ્યો હતો અને રાજુલાનાં ધારાસભ્ય અંબરિષ ડેરને જાણ થતાં તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ધારાસભ્ય ઘ્વારા એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારી સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી અને એસ.ટી. ડેપો મેનેજર સાથે જે બસો બંધ છે તેની ચર્ચાઓ કરી હતી. બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહૃાાં હતા. આ તકે હિતેષભાઈ વાળા, ઘનશ્યામભાઈ લાખણોત્રા, રવીરાજભાઈ ધાખડા, સંકલ્પભાઈ જીવાણી, ધવલભાઈ લાખણોત્રા, કરણભાઈ કોટડીયા, હિતેષભાઈ સોલંકી સહિત કોંગ્રેસ કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહૃાા હતા.