ગુજરાતના આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
28, મે 2021

ગાંધીનગર-

રાજ્યમાં મે મહિનામાં સામાન્ય રીતે અંગ દઝાડતી ગરમી પડતી હોય છે પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તે સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યનાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત શુક્રવારે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.

મધ્ય પાકિસ્તાન અને તેને અડીને આવેલા પશ્ચિમ રાજસ્થાનમાં અત્યારે સાયકલોનિક સક્ર્યુલેશનની પરિસ્થિતિ છે. જેનાં કારણે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં હવામાનમં પલટો આવ્યો છે. આ પરિસ્થિતિને કારણે આજે એટલે ગુરૂવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત શુક્રવારે રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. ચાર-પાંચ દિવસ સુધી આવાં વાતાવરણ બાદ ગરમીમાં ફરી વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ આ અંગે જણાવતા કહ્યું કે, હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવી રહ્યાં છે. પવન, ભેજ અને બીજા પરિબળોના કારણે વરસાદને વરસવા માટેનો પુરવઠો મળી રહે છે. તેના કારણે આ વરસાદ વરસી રહ્યો છે. આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી છે. જેના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય બાકીના રાજ્યના અન્ય ભાગો અને કચ્છમાં આગામી ૨૪ કલાક સુધી વાતાવરણ સુક્કું રહેશે. ત્યારપછીના ૩થી ૪ દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution