વડોદરા : મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે નિઝામપુરા - મહેસાણા નગર ચાર રસ્તા ખાતે ભાજપાના ઉમેદવારોની સભાને સંબોધતા હતા ત્યારે અત્યંત થાક અને સતત પ્રવાસના પગલે મંચ ઉપર જ ચાલુ ભાષણે ઢળી પડ્યા હતા. તેઓને સુરક્ષા ગાર્ડે સંભાળી લીધા હતા. ચાલુ ભાષણે જ તેમને ચક્કર આવતા તુરત જ તેઓની સ્ટેજ ઉપર જ પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. જાેકે રાત્રીના સાડા આઠના અરસાની આ ઘટના થતાં જ સભામાં અફડાતફડી મચી જવા પામી હતી. તેમની સારવાર માટેની તબીબોની ટુકડીઓએ પણ ધસી ગઇ હતી. રાજ્ય સરકાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવી છે તે અંગે મુખ્યમંત્રીએ સભાને સંબોધન કર્યું ત્યારે તેમને ચક્કર આવ્યા હતા અને તેઓ મંચ ઉપર ઢળી પડ્યા હતા. જાેકે તુરત જ તેઓ સ્વસ્થ થયા હતા અને થોડી જ મિનિટોમાં તેમણે જણાવ્યું હતુંકે, હું સ્વસ્થ છું. થોડી જ મિનિટમાં તેઓ સ્વયં ચાલીને મંચ ઉપરથી નીચે ઉતર્યા હતા.

 આ અગાઉ મહેસાણા નગર ખાતે સ્ટેજ ઉપર હાજર નર્મદા રાજ્ય મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, માજી મેયર શબ્દશરણ ભ્રહ્મભટ્ટ, માજી મેયર ભરત ડાંગર વગેરે હાજર હતા. તુરત જ ભરત ડાંગરે મંચ ઉપરથી જ જાહેરાત કરી હતીકે, ડોકટરની સૂચના મુજબ આ સભા પુરી કરીએ છીએ.

પ્રાથમિક સારવાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે જ મંચ ઉપર ઉભા થયા હતા અને તેઓ એરપોર્ટ ખાતે હંકારી ગયા હતા. એરપોર્ટ ખાતેથી ગુજરાત સરકારના ખાસ પ્લેન દ્વારા રાત્રે અમદાવાદ રવાના થયા હતા. અમદાવાદ પહોંચતા જ યુએન મહેતા હોસ્પિટલમાં તેમને વધ ચેક અપ માટે ખસેડીને સારવાર શરૂ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે મુખ્યમંત્રીને તાવની સામાન્ય અસર હતી, આમ છતાં તેમણે ભાજપાની ચૂંટણી સભાઓ સંબોધવાનો વડોદરાનો કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. આજે તરસાલી, સંગમ ખાતે સભા પૂરી કર્યા બાદ તેઓ મહેસાણાનગરની સભા સંબોધવા આવ્યા હતા.

યોગેશ પટેલે મુખ્યમંત્રીને પૂછ્યું હતું કે, સાહેબ, તમારી તબિયત સારી નથી?

નર્મદા રાજ્ય મંત્રી યોગેશ પટેલે નિઝામપુરાની સભાના મંચ ઉપર જેવા મુખ્યમંત્રી આવ્યા ત્યારે જ મુખ્યમંત્રીને પૂછ્યું હતુંકે, સાહેબ તમારી તબિયત સારી નથી ? બહુ થાક લાગ્યો છે ? તેના જવાબમાં તેમણે જણાવ્યું હતુંકે, હા થાક લાગ્યો છે અને થોડી જ મિનિટમાં વિજય રૂપાણીને ચક્કર આવ્યા હતા.