વુહાન-

કોરોના બાબતે વિગતો છૂપાવનારા ચીન પર હવે દર્દીઓની વિગતો છૂપાવવાનો આરોપ લાગ્યો છે. ચીની વૈજ્ઞાનિકોએ વાયરસના મૂળ શોધવા ચીન ગયેલી વિશ્વ આરોગ્ય સંસ્થા-હુ- ડબલ્યુએચઓની ટીમને વિગતો આપવાનો ઈનકાર કરી દીધો છે, એટલું જ નહીં પણ તેમણે તેમના પર દબાણ પણ કર્યું હતું કે તેઓ ચીની સરકારે કહેલી વાતને માની લે. હુ દ્વારા શુક્રવારે આમ કહેવાયું હતું.

હુના નિષ્ણાતોનું માનવું હતું કે આ વિગતોથી કોરોના વાયરસના મૂળ સુધી પહોંચી શકાય છે. અખબારી હેવાલો પ્રમાણે કોરોના દર્દીઓની વિગતો બાબતે સામસામા પક્ષે ભારે તણાવજનક સ્થિતી પેદા થઈ જતી હતી અને અનેકવાર સામસામે દલીલબાજી પણ થઈ હતી. ટીમના સભ્યોએ કહ્યું હતું કે, ચીને કોરોનાની શરૂઆતના દર્દીઓ વિશેની માહિતી આપવા ઈનકાર કરી દીધો હતો જે, ભવિષ્યમાં આ પ્રકારના રોગો સામે લડવા માટે જરૂરી માહિતી થઈ હોત. હુ ની ટીમમાં સામેલ ડેન્માર્કના ડો ફિશરે કહ્યું હતું કે, ચીન પર તપાસ માટે કેટલું દબાણ છે, એ બધા જાણે છે. વિશ્વમાં ચીન પહેલા ક્યાંય કોરોનાના પૂરાવા મળ્યા નહોતા. આમ, આ રોગના વાયરસ ચીનથી ફેલાયા હોવાનું તારણ કાઢી શકાય.