બેઇજીંગ-
ચીનને વધુ એક આકરા ઝાટકાનો સામનો કરવો પડ્યો છે. રશિયાએ જમીની સપાટીએથી હવામાં વાર કરી શકે તેવી જી-૪૦૦ મિસાઈલ મોકલવા પર હાલ પૂરતો પ્રતિબંધ મુક્યો છે. મતલબ કે હવે ચીનને પોતાની જી-૪૦૦ સિસ્ટમ માટે જરૂરી મિસાઈલ રશિયા પાસેથી નહીં મળે. ભારત સાથેના તણાવ વચ્ચે આ ચીન માટે ભારે મોટો આંચકો છે. જાે કે ચીન આ વાતનો સ્વીકાર કરવા તૈયાર નથી.
ચીની સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે 'રશિયાએ મિસાઈલના સપ્લાયને હાલ પૂરતો સસ્પેન્ડ કર્યો છે. અમુક અંશે એવું કહી શકાય કે તે ચીનના હકમાં છે કારણ કે હથિયારોની ડિલિવરીનું કામ ખૂબ જ જટિલ હોય છે.' વધુમાં લખવામાં આવ્યું હતું કે, 'ચીને પ્રશિક્ષણ માટે સૈન્ય કર્મચારીઓ અને ટેક્નિકલ સ્ટાફ મોકલવો પડે અને સામે રશિયાએ પણ હથિયારોને સેવામાં લાવવા મોટી સંખ્યામાં પોતાના તકનીકી કર્મચારીઓને બેઈજિંગ મોકલવા પડેત જે વર્તમાન સમય માટે ખૂબ મુશ્કેલ કામ છે.
રશિયા દ્વારા મિસાઈલનો પુરવઠો સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યાર બાદ ચીન તરફથી એવું નિવેદન સામે આવ્યું કે, રશિયાએ મજબૂરીવશ આ નિર્ણય લીધો છે કારણ કે રશિયા નથી ઈચ્છતું કે કોરોના વાયરસનો સામનો કરવામાં લાગેલી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનું ધ્યાન ભટકે. એક સૈન્ય રાજદ્વારી સૂત્રએ રશિયાની ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ૨૦૧૮માં ચીનને જી-૪૦૦ મિસાઈલની પહેલી બેચ મળી હતી.