ચીને સરહદ સમજૂતીનું પાલન ન કરતા સંબંધોમાં ખટાશ આવીઃ જયશંકર
09, જુલાઈ 2021

મોસ્કો-

લદ્દાખમાં ચાલી રહેલા તણાવને લઇ ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે રૂસની રાજધાની મોસ્કોને કડક સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લાં એક વર્ષથી ભારત ચીન સંબંધોને લઇ ચિંતા પેદા થઇ છે. કારણ કે બેઇજીંગમાં આ મુદ્દાને લઇ સમજૂતીનું પાલન થઇ રહ્યું નથી. તેનું કારણ એ છે કે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોનું માળખું લથડી રહ્યું છે. જયશંકર ત્રણ દિવસના પ્રવાસ પર મોસ્કો પહોંચ્યા છે. આ દરમ્યાન તેમણે રૂસી વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ સાથે પણ મુલાકાત કરી છે.

મોસ્કોમાં પ્રાઇમાકોવ ઇન્સ્ટિટ્યુટ ઓફ વર્લ્ડ ઇકોનોમી એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સમાં ભારત અને ચીનના સંબંધો અંગે એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે હું કહેવા માંગીશ કે છેલ્લાં ચાલીસ વર્ષથી ચીનની સાથે અમારા સંબંધ ખૂબ જ સ્થિર હતાપચીન સૌથી મોટા બિઝનેસ ભાગીદાર તરીકે ઉભર્યું. છેલ્લાં એક વર્ષથી આ સંબંધને લઇ ઘણી ચિંતા ઉત્પન્ન થઇ કારણ કે અમારી સરહદને લઇ જે સમજૂતી કરાઇ હતી ચીને તેનું પાલન કર્યું નથી.

તેમણે કહ્યું કે ૪૫ વર્ષ બાદ વાસ્તવમાં સરહદ પર અથડામણ થઇ અને તેમાં જવાન શહીદ થયા. કોઇપણ દેશ માટે સરહદ પર તણાવમુકત હોવું, ત્યાં પર શાંતિ હોવી પાડોશીની સાથેના સંબંધનો પાયો છે. આથી માળખું લથડી ગયું અને સંબંધ પણ. ૨૦૨૦માં જ્યારે ભારત અને ચીનની વચ્ચે તણાવ ચરમ પર હતો ત્યારે રૂસે જ બંને દેશોની વચ્ચે મધ્યસ્થતા કરી હતી. મોસ્કોમાં આયોજીત એસસીઓની બેઠક દરમ્યાન ભારતીય રક્ષા મંત્રી અને વિદેશ મંત્રીએ ચીની સમકક્ષોની સાથે બેઠક કરીને તણાવ ઓછો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. બંને દેશોની વચ્ચે પરમાણુ હથિયારોની હોડની શકયતા સાથે જાેડાયેલા પ્રશ્નોના જવાબમાં જયશંકરે તેને નકારતા કહ્યું કે ચીનના પરમાણુ કાર્યક્રમનો વિકાસ ભારતથી કયાંય વધુ મોટાપાયા પર છે. તેમણે કહ્યું કે હું નથી માનતો કે ભારત અને ચીનની વચ્ચે પરમાણુ હથિયારોની હોડ છે. ચીન ૧૯૬૪માં પરમાણુ શક્તિ બની ગયું હતું જ્યારે ભારત ૧૯૯૮માં બન્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution