વડોદરાઃપાલિકાતંત્ર શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી પણ બે સમય પૂરું પાડી શકતું નથી અને સ્વચ્છતાના નામે મોટી બેદરકાર રહે છે એમ પાલિકાના વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું. કોલેરાગ્રસ્ત થયા બાદ મોતને ભેટેલી મહિલાના ઘરે અને વિસ્તારમાં મુલાકાતે ગયેલા વિપક્ષના નેતાએ પાલિકાતંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરી મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

મચ્છરજન્ય રોગચાળા બાદ કોલેરાના કેસ વધ્યા છે. પાણીગેટના જૂનીગઢી વિસ્તારમાં રહેતા વૃદ્ધાનું કોલેરાના કારણે મોત થયું હતું, જેને લઇને પાલિકા વિપક્ષના નેતા અમી રાવતે જુનીગઢીની મુલાકાત લીધી હતી. બીજી બાજુ કોલેરામાં મહિલાનું મોત નીપજતાં પાલિકાના આરોગ્ય વિભાગ પણ કામે લાગી ગયું છે. ટીમો દ્વારા ઘરે-ઘરે જઇ લોકોની મેડિકલ તપાસ શરૂ કરવામાં આવી છે અને જરૂર જણાય તેવા લોકોને દવાઓ આપવામાં આવી રહી છે.

સમગ્ર વિસ્તારમાં સફાઇ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. વિપક્ષી નેતા અમી રાવતે ‘મારી બીટ સ્વચ્છ બીટ’ને નાટક હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કોલેરા મૃતક પરિવારની મુલાકાત પણ લીધી હતી. તેમણે રોગચાળો વધુ વકરે તે પહેલાં જરૂરી કાર્યવાહી કરવા સંબધિત વિભાગોને સૂચના આપી હતી.

સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં કોલેરાનો રોગચાળો વકરતો હોય છે. પરંતુ પાલિકાતંત્રના પાપે પૂર્વ વિસ્તારમાં કોલેરાએ દસ્તક દીધી છે. જેમાં કોલેરાના કારણે એક વૃદ્ધાનું મોત નિપજતાં નિદ્રાધીન તંત્ર દોડતું થયું છે. પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં હરિજન વાસમાં રહેતા ૬૦ વર્ષના માલિનીબેન ડાહ્યાભાઈ સોલંકીને ઝાડા-ઊલ્ટી થતાં જમનાબાઈ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાંથી મોડી સાંજે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોતને ભેટયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલ દ્વારા મૃતકના નમૂના લઇને કલ્ચર રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલાયા હતો જેમાં કોલેરા હોવાની પુષ્ટી થઇ હતી. કોલેરાના કારણે વૃદ્ધાનું મોત થતાં જ પાલિકાની ટીમ દોડતી થઈ હતી. બુધવારે એક જ દિવસમાં કોલેરાના ૧૦ કેસ નોંધાયા છે. જેમાં પાણીગેટ વિસ્તારમાં ૭, માણેજા,નવાપુરા અને ફતેપુરા વિસ્તારમાં ૧-૧ કેસ સામે આવ્યા છે.માલતીબેનના પુત્ર ભાણાભાઈએ જણાવ્યું હતું કે માતાના મૃત્યુના ત્રણ દિવસ બાદ પાલિકાની ટીમ આવી હતી. આ વિસ્તારમાંથી પાણીના નમૂના લીધા હતા અને તમામ ઘરોએ ગોળીઓ આપી હતી. છેલ્લા ઘણા સમયથી પાણી શરૂઆતના ૧૫ મિનિટ ડહોળું આવે છે. જૂનીગઢીમાં પાંચ દિવસથી ચાર ટીમો સરવે કરી રહી છે. જેમાં પાણીના નમૂના લઈ તેનો ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે. બુધવારે ૪૪ જેટલા નમૂના લેવાયા હતા.