ચોટીલા-

હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે સરકારની અનેક વિનંતીઓ છતાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી. દરરોજ આવા અનેક વિડિયો સામે આવી રહ્યા છે. દુઃખદ વાત તો એ છે કે કોરોનાના નિયમોનો ભંગ થતા હોય તેવા કાર્યક્રમોમાં ખુદ નેતાઓ પણ હાજર રહે છે. ચોટીલાના કાૅંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ હાથમાં સાંકળ લઈને ધૂણી રહ્યા છે. આ દરમિયાન અહીં કોરોનાની માર્ગદર્શિકાનું બિલકુલ પાલન કરવામાં આવ્યું ન હતું. આ અંગેની પ્રાપ્ત માહિતી પ્રમાણે, ધારાસભ્યએ કુભારા ગામની મુલાકાત લીધી હતી. અહીં યોજાયેલા એક માતાજીના પ્રસંગમાં તેઓ હાથમાં સાંકળ લઈને ધૂણતા નજરે પડ્યા હતા. વાઇરલ થયેલા વિડિયોમાં ધારાસભ્ય ડાકલાના તાલે ધૂણતા નજરે પડે છે. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું જાેવા મળ્યું ન હતું.

એટલું જ નહીં, અહીં કોઈએ માસ્ક પણ પહેર્યું ન હતું. ઋત્વિક મકવાણાએ કુભારા ગામે માતાજીના માંડવામાં મહેમાનગતિ માણી હતી. આ દરમિયાન અન્ય ભૂવાઓની સાથે સાથે તેઓ પણ હાથમાં સાંકળ લઈને ધૂણી રહ્યા હતા. ચોટીલાના આ ધારાસભ્ય માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હોવાથી હાથમાં સાંકળ રાખીને રમતા જાેવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ પણ માતાજીના માંડવામાં હાથમાં સાંકળ લઈને ધૂણતા હોય તેવા વિડિયો ભૂતકાળમાં વાઇરલ થયા હતા. જાેકે આ જે-તે વ્યક્તિની શ્રદ્ધાનો વિષય છે, પરંતુ હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન થાય એ ખૂબ જરૂરી છે.