07, મે 2025
કાશ્મીર |
4752 |
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક વળતો જવાબ આપ્યો છે. જેને ઓપરેશન સિંદુર નામ અપાયું છે. ત્યારે કાર્યવાહી બાબતે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહનું નિવેદન પણ સામે આવ્યું છે.
ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે, કોઈ પણ યુદ્ધના પક્ષમાં નથી અને પાકિસ્તાને પોતાની બંદૂકો બંધ કરવાની જરૂર છે. વર્તમાન સ્થિતિ માટે પાકિસ્તાન ખુદ જવાબદાર છે. કારણ કે, આ સ્થિતિ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોની હત્યાથી ઉત્પન્ન થઈ છે. આપણે પાકિસ્તાનમાં નાગરિક અને લશ્કરી ઠેકાણા સામે કાર્યવાહી નથી કરી, આપણે આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા છે. પરંતુ પાકિસ્તાન તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. આપણા નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.'
ઓમર અબ્દુલ્લાહે વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિ ૨૨ એપ્રિલના પહેલગામ હુમલાનું પરિણામ છે. તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર છે. આપણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો હતો. કેન્દ્ર સરકારે ઘણા વર્ષોથી જમ્મુ અને કાશ્મીરનો નાશ કરનારાઓના કેમ્પો પર હુમલો કરવાનો નિર્ણય લીધો હતો. લશ્કરી અને નાગરિક મથકોને નહીં, પણ આતંકવાદી વિસ્તારોને નિશાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ઓમર અબ્દુલ્લાહે ઉમેર્યું હતું કે, પાકિસ્તાને હવે નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. અમે યુદ્ધ નથી ઈચ્છતા. અમે શાંતિથી રહેતા હતા. આની શરૂઆત તેમણે કરી હતી. અમે ફરીથી સુધારો ઈચ્છીએ છીએ, પરંતુ પાકિસ્તાને પહેલા પોતાની બંદૂકો શાંત કરવી પડશે.