જેલના ઇતિહાસ અને વર્તમાન ગાથાની વાતો ઉજાગર કરતાં પુસ્તકનું CM રૂપાણીના હસ્તે વિમોચન
31, ઓગ્સ્ટ 2021

ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જેલોના ઇતિહાસ અને વર્તમાનની રોમાંચક અને દુર્લભ ગાથા તેમજ કેદી સુધારણા પ્રવૃત્તિઓના આલેખન કરતા પુસ્તકનું ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં વિમોચન કર્યુ હતું. રાજ્યની જેલોના વડા અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં ગુજરાતની વિવિધ જેલોની કેદી સુધારણા સહિતની અનેક પ્રવૃત્તિઓથી લોકોને સુપેરે પરિચિત કરાવવાનો સ્તુત્ય પ્રયાસ થયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેલ અંગે જે સામાન્ય માન્યતા અને ધારણાઓ લોકોમાં છે તેની સામે આ પુસ્તક જેલોના મોટા અને રોચક ઇતિહાસ સાથે જેલોએ ગુનેગારો માટે સુધારણા માટેનું બહુવિધ પ્રવૃત્તિ કેન્દ્ર બની છે તે વાત લોકોમાં ભલિભાંતિ ઊજાગર કરશે. કોરોના મહામારી દરમ્યાન કેદીઓમાં કોરોના પ્રિવેન્શન, માસ્ક-સેનિટાઇઝરના સ્વયં ઉત્પાદનથી આત્મનિર્ભરતા અને કોમ્યુનિકેશન નેટવર્ક અને કેદી સુધારણા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટતા અંગેનો પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ દેશમાં એકમાત્ર ગુજરાતને મળ્યો છે. મુખ્યમંત્રીએ આ સ્કોચ એવોર્ડ સર્ટીફિકેટ પણ આ અવસરે રાજ્યની જેલોના વડા અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન.રાવને અર્પણ કર્યો હતો. આ વિમોચન વેળાએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડન્ટ રોહન આનંદ, પ્રિન્સીપાલ લોહાર સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થતિ રહ્યા હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution