ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ હવે, FOB પ્રતિ કિ.ગ્રામ રૂ. ૧૮૦ને બદલે રૂ. ર૦૦ આપવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજૂર કરે છે. આ જોગવાઇ અનુસાર સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ.ગ્રામ રૂ. પ૦ મહત્તમ નિકાસ સહાય ૬ મહિનાના સમયગાળા માટે રૂ. ૧પ૦ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવેલી હતી.રાજ્યના દૂધ સંઘોએ આ વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરીને FOB(ફ્રેઇટ ઓન બોર્ડ) પ્રતિકિલો રૂ. ૧૮૦ થી વધારીને રૂ. ર૦૦ કરવા તેમજ યોજનાની અવધિમાં પણ વધારો કરવા વિનંતી કરી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ તદઅનુસાર, ૧ જુલાઇ-ર૦ર૧થી તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૧ સુધીના ૬ માસ માટે રૂ. પ૦ પ્રતિ કિ.ગ્રામ સહાય મંજૂર કરી છે. એટલું જ નહિ, FOB ભાવ પરિવહન ખર્ચ સાથે રૂ. ર૦૦ પ્રમાણે આપવાનો નિર્ણય તેમણે કર્યો છે.મુખ્યમંત્રીએ એવું પણ સૂચવ્યું છે કે, જો સ્કીમ મિલ્ક પાવડરના FOB ભાવમાં વધારો થાય તો આ વધારા જેટલી રકમની નિકાસ સહાયમાં ઘટાડો થશે. એટલે કે જો FOB ભાવ રૂ. ર૦૦થી વધીને રૂ. ર૧૦ થાય તો, નિકાસ સહાય રૂ. પ૦ થી ઘટીને રૂ. ૪૦ થશે. જો FOB ભાવમાં ઘટાડો થાય તો પણ નિકાસ સહાય યથાવત એટેલે કે રૂ. પ૦ પ્રતિ કિ.ગ્રામ જ રહેશે. આ સમગ્ર યોજના રૂ. ૧પ૦ કરોડની નાણાંકીય મર્યાદામાં મંજૂર કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો છે. મુખયમંત્રીના આ નિર્ણયને પરિણામે સ્કીમ મિલ્ક પાવડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં થતી વધ-ઘટથી થતું નુકશાન પશુપાલકો સરભર કરી શકશે અને તેમને આર્થિક રાહત પ્રાપ્ત થશે.