અમદાવાદ-

ગુજરાતમાં સીએનજી વાહનોની માંગ વધતાં તેની અસર ગેસની માગ પર જાેવા મળી રહી છે. જેની પાછળ મુખ્ય રુપે બે પરિબળો જવાબદાર છે એક પેટ્રોલ ડીઝલના ભડકે બળતાં ભાવ અને બીજુ રોલઆઉટ પછી ભારત સ્ટેજ ઉત્સર્જનના ધારાધોરણોમાં ફેરફાર. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં ૨૦૨૧માં ૧ જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૯ દરમિયાન ૧૫,૧૭૫ સીએનજી સંચાલિત વાહનો નોંધાયા છે- જે પાછલા ચાર વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ સુધીના સમયગાળામાં નોંધાયેલા કુલ ૬,૨૨૬ સીએનજી વાહનોની સામે ૧૪૩% જેટલો વધારો દર્શાવે છે.

રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના અધિકારીઓએ સીએનજી વાહનોની માગમાં આવેલા આ અચાનક ઉછાળા માટે પેટ્રોલ ડીઝલ સહિતના ઈંધણની કિંમતોમાં વધારો તેમજ સુસંગત વાહનોમાં સીએનજી કિટ બહારથી ફીટ કરવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને જવાબદાર ગણાવ્યા છે. તેનાથી ખરા અર્થમાં કંપની દ્વારા ફીટ થયેલા સીએનજી વાહનોનું વેચાણ અભૂતપૂર્વ રીતે વધ્યું છે. રાજ્ય પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સીએનજી વાહનો માટેનો આ ટ્રેન્ડ દેશમાં વધતી જતી પસંદગીને પ્રતિબિંબિત કરે છે. મહત્વનું છે કે ગઈકાલે એટલે કે ૧૦ સપ્ટેમ્બર શુક્રવારના રોજ અમદાવાદ બજારમાં પેટ્રોલની કિંમત ૯૮.૦૪ રુપિયા પ્રતિ લીટર હતી જ્યારે ડીઝલની કિંમત ૯૫.૪૯ રુપિયા પ્રતિ લીટર હતી. આ વર્ષે ૧૫ એપ્રિલથી ઇંધણની કિંમતો સતત વધી રહી છે, જેની સીધી અસર દરરોજ ઓફિસ જવા સહિતનું ટ્રાવેલિંગ કરતાં લોકોના ખિસ્સા પર પડે છે. આ સાથે કારની માલિકી ધરાવવાની કિંમતમાં પણ વધારો કરે છે. અહીં નોંધનીય છે કે આરટીઓ દ્વારા હજુ સુધી વાહનોમાં સીએનજી કિટ્‌સ રેટ્રોફિટ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. અમદાવાદ આરટીઓના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે બીએસ -૬ વાહનોમાં સીએનજી કિટ્‌સના રેટ્રોફિટિંગની મંજૂરી આપવી કે નહીં તે અંગે હજુ ર્નિણય લીધો નથી. આનું કારણ એ છે કે સીએનજી દ્વારા ચાલતા બીએસ -૬ વાહનોને ખાસ કેટેલાઇઝરની જરૂર પડે છે જે ફક્ત ફેક્ટરીમાં જ ફીટ કરી શકાય છે. કેન્દ્ર સરકારના અંતિમ ર્નિણયની ગેરહાજરીમાં સુસંગત વાહનો માટે સીએનજી કિટના રેટ્રોફિટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું તેના પરિણામે કંપની-ફીટ કરેલા સીએનજી વાહનોની પસંદગી વધી રહી છે. સામાન્ય રીતે દરરોજના ૧૦૦ કિલોમીટરની મુસાફરી કરતા લોકો ઇંધણનો ખર્ચ બચાવવા માટે સીએનજી વાહનો તરફ વળી રહ્યા છે. જ્યારે ડીલરોએ જણાવ્યું હતું કે એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સીએનજી ફીટ કરેલી કારની માંગમાં ભારે વધારો થયો છે. અમદાવાદ સ્થિત ડીલરશીપના સીઇઓ જીગર વ્યાસે જણાવ્યું હતું કે, "કારની માંગમાં એકંદરે વધારો થયો છે અને ઓગસ્ટના રજિસ્ટ્રેશન નંબરો પ્રમાણે અમે મહામારીના અગાઉ અને પછી એમ બંને સ્તરને પણ પાર કરી ગયા છીએ. આ સાથે તેમણે ઉમેર્યુ કે "આ સમયે સેમિકન્ડક્ટરની અછત છે અને તેના કારણે અમુક ફેક્ટરી ફિટેડ સીએનજી કારના મોડલ્સ માટે વેઇટિંગ પીરિયડ પાંચ મહિના જેટલો છે. અમદાવાદના અન્ય એક વેપારીએ કહ્યું કે, ઇંધણના ભાવમાં ઉછાળાની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ સમાનતા આવી જવાથી સીએનજી કારની માંગ વધી છે." ડીલર્સે જણાવ્યું હતું કે જે ગ્રાહકો ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ધરાવે છે તેઓ તો હવે ઇલેક્ટ્રિક કારને પહેલી પસંદ કરી રહ્યા છે, જેના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.