અરવલ્લી,બાયડ,તા.૯       

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૨૦ દિવસથી કોરોના વાયરસના કેસોમાં રોજબરોજ નવા કેસ ઉમેરાતા જાય છે. મોડાસા શહેર સહીત જિલ્લામાં કોરોના કેસો રોકેટ ગતિએ રોજબરોજ વધતા લોકો ફફડી ઉઠયા છે. સતત કોરોનાનું ઝડપથી ફેલાઈ રહેલું સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ નિષ્ફળ રહ્યું હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે. મોડાસા શહેરમાં લોકલ સંક્રમણ એટલું ઝડપથી ફેલાય છે કે કોઈને ખબર પડતી નથી. સિવિલ હોસ્પિટલની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી સામે પ્રતીક ઉપવાસ પર બેઠેલા બાયડ-માલપુરના ધારાસભ્ય જશુભાઈ પટેલે અરવલ્લી જિલ્લાને નિમાર્ણ થયેલ ૭ વર્ષ થવા આવ્યા છતાં સરકાર લોકોને પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં ઉણી ઉતરી હોવાની સાથે કલેક્ટરને જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે ખબર ન હોવાનો આક્ષેપ કરતાં સોપો પડી ગયો હતો.બાયડ-માલપુરના ધારાસભ્ય જશુભાઈ પટેલે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહેતા જણાવ્યું હતું કે જિલ્લાના કોરોનાના દર્દીઓને સારવાર માટે હિંમતનગર અને અમદાવાદ મોકલવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીને સવાલ પુછી જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરને ખબર નથી કે જિલ્લામાં કેટલા કેસ છે, કેટલા લોકોનું કોરોનાથી મોત થયું, જિલ્લામાં કેટલાં લોકો કોવીડ-૧૯ સંક્રમિત છે.જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે પણ ખબર ન હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કર્યો હતો.