કસ્ટોડિયલ ટોર્ચર મામલો સંજીવ ભટ્ટ સામેની ફરિયાદ પરત લેનાર ફરિયાદીએ પલ્ટી મારી
02, એપ્રીલ 2022

અમદાવાદ, હાલ જેલમાં રહેલા  સંજીવ ભટ્ટ સામેની કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ પાછી ખેંચવાની વાત કરનારા ફરિયાદીએ બે જ દિવસમાં ફેરવી તોળ્યું છે. હાઈકોર્ટમાં ગુરુવારે દાખલ કરેલી એફિડેવિટમાં ફરિયાદી મહેશ ચિત્રોડાએ જણાવ્યું હતું કે તેઓ સંજીવ ભટ્ટ પર લગાવેલા આરોપ પાછા ખેંચવા નથી માગતા. સંજીવ ભટ્ટ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ ૧૯૯૨માં કોર્ટમાં નોંધાવવામાં આવી હતી. જામનગર જિલ્લાના જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૧૯૯૦માં રાયોટિંગના કેસમાં પોલીસે ૧૩૩ લોકોને રાઉન્ડઅપ કર્યા હતા. પોલીસે તેમાંથી કેટલાક લોકોને માર માર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું. આ ઘટના બની તે સમયે સંજીવ ભટ્ટ જામનગર જિલ્લાના છજીઁ હતા. પોલીસે જેમને માર માર્યો હતો તેવા ત્રણ લોકોએ અલગ-અલગ ફરિયાદ દાખલ કરી હતી. જેમાંથી બે ફરિયાદી વર્ષો પહેલા ફરિયાદ પાછી ખેંચી ચૂક્યા છે, જ્યારે એકમાં હજુય કેસ ચાલી રહ્યો છે. સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓએ તેમાં પોતાના પર લાગેલા આરોપ પડતા મૂકવા હાઈકોર્ટમાં પિટિશન કરી છે. ફરિયાદીના વકીલે કોર્ટેને જ્યારે જણાવ્યું કે તેઓ ફરિયાદ પાછી ખેંચવા નથી માગતા, ત્યારે હાઈકોર્ટના જજ નિખિલ કરિએલ ગુસ્સે થઈ ગયા હતા, અને તેમણે એવો સવાલ પણ કર્યો હતો કે આ બધું શું ચાલી રહ્યું છે? ફરિયાદીના વર્તનની ટીકા કરતા જજે જણાવ્યું હતું કે મંગળવારે સવારે ફરિયાદીએ ભટ્ટ અને અન્ય આરોપી પ્રવીણ ઝાલાની ક્વોશિંગ પિટિશન્સનો વિરોધ કર્યો હતો, પરંતુ તે જ દિવસે બપોરે તેઓ ફરિયાદ પાછી ખેંચવા તૈયાર થઈ ગયા હતા. જ્યારે તેમને આ મામલે એફિડેવિટ ફાઈલ કરવા કહેવાયું ત્યારે હવે તેઓ એવું કહી રહ્યા છે કે તેઓ ફરિયાદ પાછી ખેંચવા નથી માગતા! ફરિયાદીના વકીલને કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ વર્તનની કિંમત ફરિયાદીએ ચૂકવવી પડશે. કસ્ટોડિયલ ટોર્ચરના કેસમાં ચિત્રોડા ઉપરાંત રાવજીભાઈ હીરજીભાઈ અને ચેતન જાની નામના વ્યક્તિએ પણ ફરિયાદ નોંધાવી હતી. કસ્ટોડિયલ ટોર્ચના આ જ મામલામાંપ્રભુદાસ વૈશ્નાનીનું મોત થયું હતું. કેસ ચાલી જતાં કોર્ટે સંજીવ ભટ્ટને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. હાલ તેઓ જેલમાં બંધ છે. ચિત્રોડાએ ફરિયાદ નોંધાવ્યા બાદ રાવજીભાઈ અને ચેતન જાનીએ પ્રાઈવેટ ફરિયાદ નોંધાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution