અમદાવાદ-

ઘણાં લોકોને વિદેશ જવાની ઘેલછા હોય છે અને વિદેશ જવા માટે તેઓ ગમે એટલા રૂપિયા ખર્ચવા માટે તૈયાર થઈ જાય છે. કેટલાક તો વળી ખોટું કરતાં પણ અચકાતા નથી, પરંતુ જ્યારે તમનો ભાંડો ફૂટે છે ત્યારે વિદેશ જવાના સપના તો દૂરની વાત પરંતુ જેલમાં જવાની શક્યતા વધી જાય છે. આવો જ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં અમેરિકાના વિઝા મેળવવા માટે નકલી ડોક્યુમેન્ટ્‌સ આપનાર પતિ-પત્ની, એજન્ટ અને સંબંધી સામે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ સ્થિતિ યુએસ કૉન્સ્યુલટ ઓફિસના સ્પેશિયલ એજન્ટ તરફથી મળેલી ફરિયાદના આધારે આ ચાર આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાંધીનગરના કલોલ તાલુકાના ગોવિંદપુરા ગામમાં રહેતા યોગેશ પટેલને અમેરિકા જવાની ઈચ્છા હોવાથી તેમણે તેમના સંબંધી પરિમલ પટેલના કહેવા પ્રમાણે અમદાવાદના સુભાષબ્રિજ પાસે ઓફિસ ધરાવતા વિઝા એજન્ટ ગોવિંદ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. જેમણે યોગેશને વિઝા મળી જવા પર બે લાભ રૂપિયા આપવાનું કહી પ્રક્રિયા શરુ કરી હતી. વિઝા ઈન્ટરવ્યૂની તારીખ આવતાં યોગેશ પટેલ પોતાની પત્ની, દીકરો અને દીકરીને લઈને મુંબઈ સ્થિત યુએસ કૉન્સ્યુલટ ઓફિસે ગયા હતાં. પરંતુ તેમને વિઝા ન મળતાં તેમણે ફરી એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટે આપેલી સલાહ પ્રમાણે, તેણે ફરીથી વિઝા માટેનું ફોર્મ ભરીને અપોઈન્ટમેન્ટ લીધી હતી અને અમેરિકામાં વર્ક વિઝા પર રહેતા પ્રતિક પટેલને પોતાનો નાનો ભાઈ ગણાવીને તેમને મળવા જવાનું જરૂરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ યોગેશ પટેલ ફરીથી પોતાના પરિવાર સાથે મુંબઈના યુએસ કૉન્સ્યુલટમાં ઈન્ટરવ્યૂ માટે ગયો હતો. વિઝા ઓફિસરે પ્રતિકનું બર્થ સર્ટિફિકેટ અને છ મહિનાની સેલેરી સ્લીપ જમા કરાવવાનું કહેતા યોગેશે એજન્ટ સંજયને ફોન કર્યો હતો. સંજયે ડોક્યુમેન્ટ માટે ૬૫ હજાર રૂપિયા માગતા તેણે તે આંગડિયા દ્વારા મોકલાવ્યા હતા. જેના થોડા દિવસ બાદ એજન્ટે પ્રતિકનું બર્થ સર્ટિફિકેટ અને ૬ મહિનાની સેલેરી સ્લીપ આપતાં યોગેશે તે ડોક્યુમેન્ટ્‌સ જમા કરાવ્યા હતા.