રાજપીપળા, તા.૩

હંમેશા પ્રજા માટે સરકાર વિરુદ્ધ મોરચો માંડનાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ડેડિયાપાડા પોલીસ મથકમાં ફોરેસ્ટ કર્મીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા બાબતની ફરીયાદ નોંધાઈ છે.પોલીસના જણાવ્યા મુજબ ચૈતર વસાવાએ હવામાં એક રાઉન્ડ ફાયરીંગ પણ કર્યું હતું. આ ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ એમની શોધખોળ કરી રહી છે.

આ ફરીયાદ મામલે નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેના જણાવ્યા મુજબ ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફોરેસ્ટ વિભાગ દ્વારા ધાક, ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તે બાબતે ફરિયાદ નોંધાઈ છે.ઘટના એમ બની હતી કે ડેડિયાપાડા વિસ્તારના બોગજ ગામ નજીક ફોરેસ્ટ વિભાગની જમીનમાં ખેડૂતો દ્વારા જમીનમાં ગેરકાયદેસર રીતે ખેતી કરવામાં આવી હતી.જે બબાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા ખેડુતોને જમીન ખેડવાની ના પાડવામાં આવી હતી, જાે કે ત્યાર બાદ ફોરેસ્ટ કર્મીઓ દ્વારા ખેતીનો પાક ઉખેડી નાખવામાં આવ્યો હતો. આ બાબતની ચૈતર વસાવાને જાણ થતા ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી ધાક ધમકી આપી ખેડુતોને પૈસા ચુકવવા જણાવ્યું હતું.આ દરમ્યાન ધારાસભ્યએ એક રાઉન્ડ ફાયરીંગ પણ કર્યું છે.ફોરેસ્ટ કર્મીઓએ એક ખેડુતને તો પૈસા આપી પણ દીધા હતા.આ ઘટના બન્યાના બીજે દિવસે ચૈતર વસાવાના પીએ દ્વારા ફરીથી ફોરેસ્ટ કર્મીઓને બોલાવી ધમકાવ્યા હતા.હાલ તો ધારાસભ્યના પત્ની શકુંતલાબેન વસાવા, ધારાસભ્યના પી.એ જીતેન્દ્ર વસાવા અને એક ખેડુતની નર્મદા પોલીસે ધરપકડ કરી પુછતાછ શરૂ કરી છે.નર્મદા પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની શોધખોળ ચાલુ છે. આ બાબતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે જંગલની જમીન ખેડવા મુદ્દે ચૈતર વસાવાએ ફોરેસ્ટ કર્મીઓને પોતાનાં ઘરે બોલાવી માર માર્યો અને હવામાં ફાયરીંગ કર્યું.અગાઉ એમણે જીઈબી ના કર્મીઓ ઉપર પણ હુમલો કર્યો હતો, આવી એમને આદત પડી ગઈ છે. જ્યારે નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ચૈતર વસાવા ધારાસભ્ય હોવાનાં નાતે કાયદાના રક્ષક છે, રક્ષક જ્યારે આવુ કરે એ સાંખી ન લેવાય.એમણે જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ પોલીસને સહકાર આપવો જાેઈએ.

ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદને પગલે આજે ડેડિયાપાડા બંધનું એલાન

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાતાં ડેડિયાપાડામાં એમનાં સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે.ચૈતર વસાવાના સમર્થનમાં વિવિધ વિસ્તારોમાં બેનરો લાગ્યા છે, જેમાં જણાવ્યું છે કે આદિવાસી આગેવાનને ખોટી રીતે ફસાવવાનું એક સડયંત્ર છે. જેથી ડેડિયાપાડા સ્વૈચ્છિક બંધ રાખવાનું એલાન કરાયું છે.