અમરેલી, રાજુલા રેલવે જમીનનો વિવાદ ફરી આગળ આવ્યો છે. રાજુલા શહેરમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા અને કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા માંગ ઉઠાવી હતી અને ટ્રેન રોકી આંદોલન ઉગ્ર બનાવ્યુ તેમ છતા આ જમીનનો સખુદ અંત આવ્યો નથી. આ મામલે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે અંગત રસ લઈ કેન્દ્રીયમંત્રીને રજુઆત કરી છે અને જણાવ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય ભાજપના સાંસદને બોલાવી ખાત મુહૂર્ત કરશે.

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષા નેતા પરેશ ધાનાણીએ રાજ્યભરના કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને પત્ર લખીને જણાવ્યું છે કે, ‘રાજુલા શહેર મધ્યમાં રેલ્વેની પડતર જમીનમાં બગીચો અને વોક વે બનાવવા રાજુલા નગરપાલિકાએ રેલ્વે સાથે કરાર કર્યો છે, તેમ છતાં જમીનનો કબ્જાે ન મળતાં ધારાસભ્ય અંબરીશ ડેર છેલ્લા ઘણા દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આવતીકાલે તા.૨૩ જૂનના રોજ રાજુલાના પ્રશ્નો માટે અંબરીશ ડેરને સમર્થન આપવા અને આપના વિસ્તારના રેલ્વેને લગતાં સ્થાનિક પ્રશ્નોને આવેદનમાં જાેડીને સ્થાનિક કક્ષાએ આવેદનપત્ર આપવા તેમજ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં સ્થાનિક કક્ષાએ રેલ રોકોના આંદોલનાત્મક કાર્યક્રમ આપવાના રહેશે.’ રાજુલા ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આ રેલવેની જમીન બાબતે ચાલતા આંદોલનનો જલ્દી અંત નહીં આવે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ભરમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન થઇ શકે છે. જેમાં કોંગ્રેસના મોટા માથાઓ પણ અંગત રસ લઇને મેદાનમાં આવી શકે છે.