વડોદરા : છાણીમાં સોખડા મંદિરના અંબરીશો ભાજપના પ્રચારાર્થે આવતા એની જાણ થતા કોંગ્રેસના સ્થાનિક પેનલના ઉમેદવારો અને એમના પરિવારના કોંગ્રેસના નેતાએ અંબરીશોને ત્યાંથી પાછા કાઢ્યા હતા.આને લઈને છાણી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થવા પામ્યું હતું.આ મંદિરના અંબરીશો છાણી વિસ્તારના મતદારો ન હોવા છતાં એ વિસ્તારમાં આવતા એમનો વિરોધ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા અનુસાર સોખડા મંદિરના એક અગ્રણી સ્વામીના ઈશારે મંદિરમાંથી એક હજાર જેટલા અંબરીશો પ્રસાદના પેકેટો અને મતદાર યાદીઓ લઈને ઈલેક્શન વોર્ડ-૧ માં ઘેર ઘેર ફરીને પ્રસાદના પેકેટ આપીને ભાજપને મત આપવાનો પ્રચાર કરી રહ્યા હતા.સરદાર નગર અને અન્ય વિસ્તારોમાંથી આ માહિતી મળતા કોંગ્રેસના ચારે ઉમેદવારોએ આ અંગેની ફરિયાદ પોલીસને કરી અમ્બરીષોની કામગીરી તત્કાલ અટકાવીને પરત મંદિરે ભગાડ્યા હતા.જાે કે એ પહેલા સંખ્યાબંધ ઘરોમાં મંદિરના પ્રસાદની વહેંચણીના નામે ભાજપનો પ્રચાર કરી દેવામાં આવ્યાનું ચર્ચાય છે. આવા બસો જેટલા અંબરીશો છેલ્લા દશ દિવસથી આ પ્રમાણે પ્રચાર પ્રસાર કરી રહયાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરાયા હતા.