કોંગ્રેસ દ્વારા સંજયનગર આવાસ કૌભાંડનો પર્દાફાશ
21, ઓક્ટોબર 2020

વડોદરા,તા. ૨૦ 

વડોદરા મહાનગર પાલિકાના બહુચર્ચિત સંજય નગર આવાસોના બે હજાર કરોડના શાસકોના કૌભાંડમાં તંત્ર એક પછી એક જુઠ્ઠાણું ચલાવી રહ્યું છે. જેમાં હવે તો પાલિકાના સીટી ઈજનેર દ્વારા રાજકીય આકાઓના ઈશારે પીએમઓ કાર્યાલય શુદ્ધાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એ હકીકતનો પર્દાફાશ કોંગ્રેસ દ્વારા પીએમઓમાં કરાયેલ ફરિયાદના સંદર્ભની આરટીઆઇમાં થવા પામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સંજયનગરના કૌભાંડની માફક અટલાદરાની આવાસ યોજનામાં પણ શાસકો દ્વારા મોટા પ્રમાણમાં કૌભાંડ આચરવામાં આવ્યાનો આક્ષેપ કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિતનાઓએ સંજય નગર ખાતે સ્થળ પર બોલાવેલી પત્રકાર પરિષદમાં કર્યો છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા સંજય નગરના આવાસોને ત્રણ વર્ષ અગાઉ તોડી પાડીને એની સોળ લાખ સ્કવેર ફીટ જેટલી વિશાળ જગ્યા પીપીપી ધોરણે ડેવલોપ કરવાને માટે ઇજારદારને આપી હતી. જ્યા ઇજારદારને ૨૫૦૦ જિટલા ફ્લેટ બનાવીને આપવાના હતા. જેમાં ૧૮૦૦ ફ્લેટ સંજય નગરની જગ્યા પરથી હટાવવામાં આવેલ રહેવાસીઓને ફાળવવાના હતા. જ્યારે ૭૦૦ મકાન પાલિકાને આપવાના હતા. એ સિવાય બિલ્ડરને આ ૧૬ લાખ સ્કવેર ફીટ જગ્યામાં ત્રણ ઘણી એટલેકે ૪૮ લાખ સ્કવેર ફીટની એફએસઆઈ વેપાર કરવાને માટે મળત. જેમાં ૪૦ ટકા લેખે સુપર બિલ્ટઅપ મુજબ ગણતરી કરવામાં આવે તો વધુ ૧૯ લાખ સ્કવેર ફીટ મળી બિલ્ડરને સંજય નગર ખાતે કુલ ૬૭ લાખ સ્કવેર ફીટ જગ્યા વેપાર કરવા મળે. જો પ્રતિ સ્કવેર ફીટે બિલ્ડરને બારસો રૂપિયાનો ખર્ચ થાય એની સામે ચાર હજાર જેટલા નીચા ભાવે વેચે તો પણ ૨૬૮૦ કરોડનો વેપાર કરે. એમાં ૮૦૪ કરોડ બાંધકામના ખર્ચને બાદ કરાય તો ૧૮૭૬ કરોડનો નફો થાય. એમાંથી લાભાર્થીઓના મકાનોનો ત્રણસો કરોડ બાદ કરાય તો ૧૫૭૬ કરોડનો ચોખ્ખો નફો થાય. એમાં કોમર્શિયલ અને રેસીડંશાલના અલગ અલગ ભાવ જોવા જઈએ તો બે હજાર કરોડનો સીધો નફો સંજય નગરમાં થાય એમ છે. એવો સીધો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે. આ સંજય નગરનો પ્રોજેક્ટ શરુ કરવામાં આને ત્યાંના રહીશોને ભાડું નિયમિત આપવામાં નિષ્ફળ નીવડેલ ઇજારદારની ઈજારો તાકીદે રદ્દ કરવાની પણ કોંગ્રેસ દ્વારા માગ કરાઈ છે. આ ઉપરાંત અટલાદરા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ એક કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જે આકાર લઇ ચૂક્યું છે. એની માહિતી આપતા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે ત્યાં ૩૬ હજાર સ્કવેર મીટરમાં ૧૯૦૦ આવાસો ૧૬૭ કરોડના ખર્ચે બનાવવાનો ઈજારો આપવામાં આવ્યો છે. એ જોતા પાલિકાને ૪૫૦ સ્કવેર ફીટના ફ્લેટ દીઠ રૂ.૮.૭૭ લાખ ખર્ચ થાય. એમાંથી પાંચ લાખ લાભાર્થી ચુકવશે. એટલે પાલિકાને માત્ર ૩.૭૭ લાખનો ખર્ચ થાય. એ મુજબ આ ફ્લેટો પાછળ માત્ર ૭૨ કરોડના ખર્ચ સામે પાલિકા ૧૬૭ કરોડ ચૂકવીને કૌભાંડ કરી રહી છે. આ બાબતની પાલિકાના વિપક્ષી નેતાએ વિજિલન્સ તપાસની માગ કરી છે. જેમાં મોટી મલાઈ ખાવાનો કારસો શાસક પક્ષ ભાજપ દ્વારા રચવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. જેને લઈને પ્રજાના કરવેરાના નાણાંનો શહેરના નહિ પરંતુ ભાજપના નેતાઓના વિકાસને માટે ખર્ચાઈ રહયાનો આક્ષેપ કરાયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution