04, જુલાઈ 2025
1980 |
ગાંધીનગર રાજયમાં મનરેગા અને નળ સે જળ યોજનામાં થયેલા રાજ્ય વ્યાપી ભ્રષ્ટાચારના મામલે તટસ્થ તપાસ કરાવવા અંગે તેમજ મનરેગા યોજનાના ભ્રષ્ટાચારમાં રાજ્યના મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી બદલ ધરપકડ કરાઇ છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળીને રજૂઆત કરી છે. રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓની મિલીભગતથી સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે અને વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે. જે અંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસનાં આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતને મળ્યું હતું અને રાજયપાલને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સામાન્ય જનતાએ દરેક સરકારી યોજનાઓ કે કામગીરી માટે દરેક કક્ષાએ લાંચ આપવી પડે છે તેવી ફરિયાદો રોજબરોજ વધતી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી મનરેગા યોજના સામાન્ય નાગરિકોને રોજગારી આપવા નહીં પરંતુ સરકારી તંત્રની મિલીભગતથી પદાધિકારીઓ અને અધિકારીની તિજાેરી ભરવાનો કાયદો હોય તેવી સ્થિતિ છે. તાજેયતરમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા, ધાનપુર તાલુકાની તપાસમાં ૧૦૦ કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. આ ભ્રષ્ટાચારમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પરિવારની સીધી સંડોવણી બહાર આવી છે. જેમાં મંત્રીના પુત્રોની ધરપકડ પણ કરવામાં આવી છે, તેમ છતાં બચુ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવતા નથી.